રામાયણ પર બનેલું દુનિયાનું પહેલું વેક્સ મ્યુઝિયમ કાલે અયોધ્યામાં ખુલ્લું મુકાશે
ભવ્ય રામમંદિરના નિર્માણ પછી અયોધ્યામાં વધુ એક ઐતિહાસિક સ્થળ તૈયાર થયું છે. અહીં ત્રેતાયુગની ઝલક આપતું રામાયણનું દુનિયાનું સૌપ્રથમ વેક્સ મ્યુઝિયમ બનીને તૈયાર છે. અયોધ્યાના પરિક્રમા માર્ગ પર કાશીરામ કોલોનીની સામે બનેલું આ મ્યુઝિયમ આસ્થાનું નવું કેન્દ્ર તો બનશે અને પર્યટકો માટે વૈશ્વિક સ્તરનું આકર્ષણ પણ સાબિત થશે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ વખતે દીપોત્સવ સમારોહની સાથે આ મ્યુઝિયમનું પણ લોકાર્પણ કરશે. 89,850 સ્ક્વેર ફુટમાં આ ઍર-કન્ડિશન્ડ મ્યુઝિયમ 6 કરોડ રૂૂપિયાના ખર્ચે બન્યું છે. એમાં ભગવાન શ્રીરામ સાથે સીતા, લક્ષ્મણ, ભરત, હનુમાન, રાવણ, વિભીષણ સહિત રામાયણનાં મુખ્ય 50 પાત્રોની જીવંત લાગે એવી લાઇફસાઇઝ વેક્સની મૂર્તિઓ પ્રદર્શિત થશે. એમાં રામાયણની કથાનાં મુખ્ય દૃશ્યોનું નિરૂૂપણ થયું છે. આ મ્યુઝિયમનું નિર્માણ દક્ષિણ ભારતીય વાસ્તુશૈલીમાં કરવામાં આવ્યું છે. પહેલા માળ પર વનવાસ, લંકાદહન અને રામરાવણના યુદ્ધની ઝાંખી કરાવવામાં આવી છે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રભુ રામના બાળસ્વરૂૂપથી લઈને સીતાના સ્વયંવર સુધીના પ્રસંગો અંકિત થયા છે.
એકસાથે 100 દર્શકોને જ અંદર લેવામાં આવશે અને અંદર પ્રવેશતાં જ ત્રેતાયુગની મહેક અને રામધૂનની મધુર ધ્વનિથી આખું વાતાવરણ ભરાઈ જશે. સ્પીકરમાં સતત રામ તારક મંત્ર અને ભક્તિગીતોની ધૂન વાગશે જે મનને શાંતિથી ભરી દેશે. કેરલાની કંપની સુનીલ વેક્સ મ્યુઝિયમ દ્વારા એ તૈયાર કરવામાં આવ્યું છે. આ કંપનીના આર્ટિસ્ટ સુનીલ કંડલ્લુરે જ લોનાવલાનું સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમ બનાવ્યું છે. વેક્સ મોડલમાં અલગ-અલગ લાઇટિંગ કરવામાં આવી છે જેનાથી પાત્રો જીવંત લાગે છે. દર્શકો રામલલાની બાળમૂર્તિ સાથે ફોટો લઈ શકે એવો સેલ્ફી-પોઇન્ટ બનાવવામાં આવ્યો છે.