ચૂંટણીમાં મહિલાઓને લહાણી, દેશની તિજોરી પર 1.68 લાખ કરોડનો બોજ
મત મેળવવા 12 રાજ્યોમાં લાડલી, લક્ષ્મી, બહેન સહિતની યોજનાઓ હેઠળ રોકડ ભેટ આપવાની હોડ; ૠઉઙના 0.5 ટકાની ખેરાત
ભારતમાં રાજકીય પક્ષો દ્વારા ચુંટણી જીતવા માટે અને ખાસ કરીને મહીલાઓ મતદારોને આકર્ષવા માટે કરાતી ખેરાતથી સરકારી તિજોરી ઉપર રૂા.1.68 લાખ કરોડનો બોજો પડશે. રોકડ લ્હાણી કરવાનો આ રાજકીય ચેપ માત્ર બે વર્ષમાં બે રાજયથી વધી 12 રાજ્યોમાં પ્રસરી ગયો છે.
દેશભરના રાજ્યોમાં મહિલાઓને સીધી રોકડ સહાય આપવાની યોજનાઓ હવે એક નવી રાજકીય-સામાજિક વ્યૂહરચના બની ગઈ છે. એક નવા અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 12 રાજ્યોએ મહિલાઓ માટે બિનશરતી રોકડ આપવાની યોજનાઓ શરૂૂ કરી છે, જ્યારે માત્ર બે વર્ષ પહેલાં (2022-23) આવા રાજ્યોની સંખ્યા માત્ર બે હતી.
ઙછજ લેજિસ્લેટિવ રિસર્ચના તાજેતરના અભ્યાસ અહેવાલ મુજબ, ચાલુ નાણાકીય વર્ષ (2025-26)માં આ 12 રાજ્યો મળીને આ યોજનાઓ પર ₹1,68,050 કરોડ ખર્ચ કરશે, જે દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ના લગભગ 0.5% છે. બે વર્ષ પહેલાં આ આંકડો 0.2%થી પણ ઓછો હતો.
રાજકીય વિશ્ર્લેષકો માને છે કે આ યોજનાઓનો હેતુ ભલે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો હોય, પરંતુ ચૂંટણી પહેલાં મહિલા મતદારો સુધી સીધી પહોંચ બનાવવાનો આ સૌથી સરળ અને અસરકારક રસ્તો બની ગયો છે.
કર્ણાટકની ગૃહ લક્ષ્મી, મધ્ય પ્રદેશની લાડલી બહના, મહારાષ્ટ્રની લાડકી બહીણ કે બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હોય, લગભગ દરેક રાજકીય પક્ષ હવે મહિલાઓને રોકડ સહાય દ્વારા રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રિપોર્ટ જણાવે છે કે જે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યાં આ યોજનાઓ પરના ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આર્થિક દબાણ વધતાં કેટલાક રાજ્યોને લાભની રકમ ઘટાડવી પણ પડી છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્ર સરકારે એપ્રિલ 2025માં પમુખ્યમંત્રી લાડકી બહીણ યોજનાથની રકમ ₹1,500 થી ઘટાડીને ₹500 કરી દીધી છે.
RBIની ચેતવણી, રાજ્યોની મહેસૂલી ખાધ વધી રહી છે
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ પહેલાં જ રાજ્યોને ચેતવણી આપી છે કે વધતી સબસિડી, કૃષિ લોન માફી અને આવી રોકડ હસ્તાંતરણ યોજનાઓથી રાજ્યોની નાણાકીય સ્થિતિ પર દબાણ વધી રહ્યું છે. PRS રિપોર્ટ મુજબ, 12 રાજ્યોમાંથી છ રાજ્યોએ વર્ષ 2025-26 માટે મહેસૂલી ખાધનું અનુમાન લગાવ્યું છે. જો રોકડ હસ્તાંતરણ યોજનાઓના ખર્ચને બાકાત રાખવામાં આવે, તો આ રાજ્યોની મહેસૂલી સ્થિતિ ઘણી સારી દેખાય છે. આ દર્શાવે છે કે ચૂંટણીલક્ષી યોજનાઓ રાજ્યના નાણાકીય સંતુલનને અસર કરી રહી છે.