બિહારમાં પુરુષો કરતાં મહિલાઓનું 8.8% વધુ મતદાન ગેમ બદલી નાખશે?
1951 પછી 66.91 ટકા મતદાનનો રેકોર્ડ: એક્ઝિટપોલ્સના અનુમાન મુજબ નીતિશ-એનડીએને ધીંગી બહુમતી
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 એ મતદાનના તમામ જૂના વિક્રમો તોડી નાખ્યા છે. ભારતીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે કુલ 66.91% મતદાન નોંધાયું છે, જે સન 1951 પછી બિહારના ઇતિહાસમાં સર્વોચ્ચ છે. આ ઇતિહાસ રચવામાં મહિલા મતદારોની ભૂમિકા અભૂતપૂર્વ રહી છે, જેમણે પુરુષોને પાછળ છોડી દીધા છે. મહિલાઓનું મતદાન 71.6% રહ્યું, જ્યારે પુરુષોનું મતદાન 62.8% રહ્યું. રાજકીય વિશ્ર્લેષકો આ મોટા તફાવતને ચૂંટણી પરિણામોમાં નિર્ણાયક માની રહ્યા છે.
ભારતીય ચૂંટણી પંચે આપેલા ચુનાવ કા પર્વ - બિહાર કા ગર્વના નારા સાથે યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ના આંકડા જાહેર કર્યા છે, જેણે ઇતિહાસ રચી દીધો છે. રાજ્યમાં બંને તબક્કા મળીને કુલ 66.91 ટકા જેવું વિક્રમજનક મતદાન થયું છે. આ આંકડો સન 1951 માં યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણી બાદથી અત્યાર સુધીનો સર્વોચ્ચ છે.
આ ઐતિહાસિક મતદાનમાં સૌથી નોંધપાત્ર પાસું મહિલા મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ રહ્યો છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ મુજબ, જ્યાં પુરુષ મતદારોની મતદાન ટકાવારી 62.8 ટકા રહી, ત્યાં મહિલા મતદારોએ 71.6 ટકા મતદાન કરીને સૌને ચોંકાવી દીધા છે. આમ, મહિલાઓનું મતદાન પુરુષો કરતાં આશરે 8.8 ટકા જેટલું વધારે રહ્યું છે. પ્રથમ તબક્કામાં: મહિલા મતદાન 69.04% અને પુરુષ મતદાન 61.50% રહ્યું. જયારે બીજા તબક્કામાં: મહિલા મતદાને તમામ રેકોર્ડ તોડ્યા અને 74.03% પર પહોંચ્યું, જ્યારે પુરુષ મતદાન 64.1% રહ્યું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પએક્સથ (ભૂતપૂર્વ ટ્વિટર) અને અન્ય ડિજિટલ ન્યૂઝ પોર્ટલ પર આ આંકડાઓનું ઊંડું વિશ્ર્લેષણ થઈ રહ્યું છે. રાજકીય પંડિતો માને છે કે મહિલાઓનો આ એકતરફી ઝુકાવ મુખ્યમંત્રી નીતિશ કુમારની મહિલા રોજગાર યોજના અને જીવિકા દીદી જેવી સ્વ-સહાય જૂથોની પહેલનું પરિણામ હોઈ શકે છે.
