છૂટાછેડાનો કેસ ચાલતો હોય તો પણ પત્નીને સવલતોનો હક: સુપ્રીમ
છુટાછેડાનો કેસ ચાલતો હોય તો પણ પત્ની બધા જ પ્રકારની સુખ-સગવડો માટે હકદાર છે એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પીબી વરાલેની બેંચે કેરળના એક કાર્ડિયોલોજિસ્ટના છૂટાછેડાના કેસમાં આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમની ખંડપીઠે વિખૂટા પડી ગયેલી પત્નીને આપવામાં આવતા વચગાળાના ભરણપોષણ ભથ્થાને વધારીને 1.75 લાખ રૂૂપિયા પ્રતિ માસ કરી દીધો. ફેમિલી કોર્ટે ડોક્ટરની પત્નીને 1.75 લાખ રૂૂપિયાનું વચગાળાનું ભરણપોષણ ભથ્થું આપવાનો આદેશ આપ્યો હતો. બાદમાં મદ્રાસ હાઈકોર્ટે આ રકમ ઘટાડીને 80,000 રૂૂપિયા પ્રતિ માસ કરી.
બેન્ચે કહ્યું કે હાઇકોર્ટે પતિની આવક સંબંધિત અમુક પાસાઓની અવગણના કરી છે, જેને ફેમિલી કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી હતી. એ વાત પણ જાણીતી છે કે અરજદાર કામ કરતો નથી અને તેણે લગ્ન પછી નોકરી છોડી દીધી હતી. અરજદાર તેના સાસરિયાંમાં કેટલીક સુવિધાઓથી ટેવાયેલ છે અને તેથી, છૂટાછેડાની અરજી પેન્ડિંગ દરમિયાન, તેણીને તેના સાસરિયાંમાં મળેલી સવલતોનો આનંદ માણવાનો અધિકાર હતો.