આસામમાં બાંગ્લાદેશના સૈનિકોની ઘૂસણખોરી સામે આંખ આડે કાન કેમ?
બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ હિંદુઓની હત્યાઓ કરી રહ્યા છે, અમાનવીય અત્યાચારો કરી રહ્યા છે અને હિંદુ મંદિરોમાં તોડફોડ કરી રહ્યા છે. ભારતની કહેવાતી હિંદુવાદી સરકાર હિંદુઓની કત્લેઆમ રોકવા કશું કરી નથી રહી. તેના કારણે બાંગ્લાદેશીઓની હિંમત એ હદે વધી ગઈ છે કે, બાંગ્લાદેશી સૈનિકો ભારતની સરહદમાં ઘૂસીને હિંદુઓને ધમકાવી ગયા, રીતસરની લુખ્ખી દાદાગીરી કરીને હિંદુ મંદિરનું નિર્માણ બંધ કરાવી દીધું. આપણી સરહદની સુરક્ષાની જવાબદારી જેમના માથે છે એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ્સ ઓફ બાંગ્લાદેશ (બીજીબી)ના સૈનિકોને ભારતમાં ઘૂસતાં તો રોકી ના જ શક્યા પણ આઘાતજનક વાત એ છે કે, તેમણે લૂલો બચાવ કર્યો છે કે આ ઘટનામાં કશું અસામાન્ય નથી.
ભારત તરફ દુશ્મનાવટ રાખતા દેશના સૈનિકો આપણી સરહદમાં ઘૂસી જાય એ ઘટના સામાન્ય કહેવાય ? આસામમાં ભાજપના હિમંત બિસ્વ સરમાની સરકાર છે. બાંગ્લાદેશી સૈનિકો ભારતની સરહદમાં ઘૂસી ગયા પછી પોલીસને પણ જાણ કરાઈ હતી પણ પોલીસે પણ તમાશો જોઈ રહેવા સિવાય કંઈ ના કર્યું. આસામના વહીવટીતંત્રે પણ આ ઘટના ક્ધફ્યુઝનના કારણે સર્જાયેલી એવું કહીને વાતનો વીંટો વાળી દીધો.
ભાજપના નેતા આ મામલે બિલકુલ ચૂપ છે. કોંગ્રેસના રાહુલ ગાંધીને જ્યોર્જ સોરોસ સાથે કનેક્શન છે એવું સાબિત કરીને ગૌતમ અદાણીની દલાલી કરવામાં પડેલ ભાજપના નેતાઓને બાંગ્લાદેશી સૈનિકો ભારતની સરહદમાં ઘૂસીને ભારતીયોને ધમકાવી જાય તેમાં કશું વાંધાજનક નથી લાગતું. વિદેશની કોઈ સંસ્થા અદાણી સામે કંઈ કરે તો તેમને દેશની સુરક્ષા સામે ખતરો લાગવા માંડે છે ને અહીં બાંગ્લાદેશના સૈનિકો દેશની સરહદ ઓળંગીને આપણી સરહદમાં ઘૂસી ગયા તો તેમને કોઈ ફરક પડતો નથી. આ કેવો દેશપ્રેમ કહેવાય એ જ નથી સમજાતું. ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો અત્યારે અત્યંત તણાવપૂર્ણ છે.
બાંગ્લાદેશની હાલની સરકાર ભારત અને ભારતીયોને દુશ્મન ગણીને જ વર્તી રહી છે ત્યારે આ પ્રકારની હરકતોને ભારતે સહન ના કરવી જોઈએ. ભારતની ચૂપકીદીનો અર્થ કાયરતા છે ને એ જોઈને બાંગ્લાદેશીઓની હિંમત વધશે, ભવિષ્યમાં આ પ્રકારની ગુસ્તાખીઓ પણ વધશે. કમનસીબે કેન્દ્ર સરકાર આ મુદ્દે સાવ મૌન છે. આપણી સરહદની સુરક્ષા જેવા ગંભીર મુદ્દે પણ લોકોને સ્પષ્ટતા કરવાની ફરજ નથી એમ માનીને જાણે કશું બન્યું જ ના હોય એ રીતે વર્તી રહી છે.