કુકર્મી ચૈતન્યાનંદ સામે ધર્મના ઠેકેદારોમાં આક્રોશ કેમ ઉઠતો નથી?
બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા રામ રહીમ છાસવારે જેલમાંથી બહાર આવ્યા કરે છે ને આસારામને માંડ કોર્ટે પાછા જેલભેગા કર્યા છે ત્યાં હવે બીજા એક કહેવાતા સાધુ ચૈતન્યાનંદ સરસ્વતીની લંપટલીલા છાપરે ચડીને પોકારી છે. ચૈતન્યાનંદ સ્વામી ધર્મનો ધંધો તો માંડીને બેઠા જ છે પણ સાથે સાથે શિક્ષણના વેપલામાં પણ સામેલ છે.
દિલ્હીમાં આ પાર્થસારથી ઉર્ફે ચૈતન્યાનંદ સરસ્વતીની બિઝનેસ મેનેજમેન્ટ સ્કૂલ ચાલે છે. આ સંસ્થાની 17 વિદ્યાર્થિનીઓએ ચૈતન્યાનંદ સામે તેમની જાતિય સતામણી કરવાનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચૈતન્યાનંદે કોઈ છોકરી પર બળાત્કાર કર્યો હતો કે નહીં એ સ્પષ્ટ નથી કેમ કે આ લંપટ સાધુએ કુલ 32 વિદ્યાર્થિનીઓને હવસનો શિકાર બનાવી હતી ને તેમાંથી 17 છોકરી જ હજુ ફરિયાદ કરવા આગળ આવી છે. બીજી છોકરીઓ પણ ફરિયાદ કરે તો ચૈતન્યાનંદના બીજા ગંદા ધંધા પણ બહાર આવશે પણ અત્યારે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, ચૈતન્યાનંદ સરસ્વતી દીકરીઓ સાથે ગંદી હરકતો કરતો હતો, અશ્ર્લીલ ભાષાનો ઉપયોગ કરતો હતો અને વોટ્સઍપ તેમજ એસએમએસ મારફતે અશ્ર્લીલ-ગંદા મેસેજ પણ મોકલતો હતો.
ચૈતન્યાનંદનાં કુકર્મોની વિગતો આઘાતજનક છે પણ ચૈતન્યાનંદ સરસ્વતીની લંપટલીલાના સંદર્ભમાં એક મહત્ત્વની વાત પણ નોંધવા જેવી છે. ચૈતન્યાનંદ સરસ્વતીની લંપટલીલા સામે કહેવાતા હિંદુવાદી સંગઠનો પણ ચૂપ છે અને હિંદુવાદી નેતાઓ પણ ચૂપ છે. એક હવસખોર ભગવાં કપડાં પહેરીને કહેવાતો હિંદુ સંત બની જાય ને ભગવાં કપડાંની આડમાં નિર્દોષ દીકરીઓની આબરૂૂ સાથે રમે એ હિંદુ ધર્મનો દુરુપયોગ કહેવાય, હિંદુ ધર્મનું અપમાન કહેવાય પણ આ અપમાન સામે સૌની બોલતી બંધ છે.
એ વખતે તેમને હિંદુ બહેન-દીકરીઓની ઈજ્જતની ચિંતા થઈ આવે છે. હિંદુવાદી સંગઠનો તો નિર્માલ્ય છે જ અને પોતાની દુકાન ચલાવવા માટે હિંદુત્વનો ઉપયોગ કરવા સિવાય તેમને બીજી કોઈ વાતમાં રસ નથી તેથી તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી પણ સામાન્ય હિંદુઓને પણ કોઈ ફરક ના પડતો હોય એ રીતે વર્તતા જોઈને ખરેખર આઘાત લાગે છે. ભગવાં કપડાંની આડમાં જાકુબીના ધંધા કરતા ચૈતન્યાનંદ સરસ્વતી સામે પ્રચંડ આક્રોશ પેદા થવો જોઈએ ને તેનાથી ફફડેલું તંત્ર ચૈતન્યાનંદની બધી દુકાનો, બધા ધંધા બંધ કરાવી દે એવી હાલત થવી જોઈએ પણ એવું કશું થયું નથી કેમ કે હિંદુઓમાં પોતાના ધર્મનું અભિમાન જ નથી.
હિંદુઓ હલકટ માણસોને ધર્મનો પર્યાય માનીને પૂજે છે ને આ હલકટો જેને ધર્મ ગણાવે તેને ઘેટાંનાં ટોળાની જેમ અનુસરે છે. ચૈતન્યાનંદ સરસ્વતીના કિસ્સામાં પોલીસ અને આખું તંત્ર પણ સાવ નકામું સાબિત થયું છે. હલકટ ચૈતન્યાનંદ સામે વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં 4 ઓગસ્ટે પહેલીપોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ વાતને 40 દિવસ થઈ ગયા પણ ચૈતન્યાનંદ હજુ હાથ લાગ્યો નથી. પોલીસ હજુ દરોડા દરોડા રમ્યા કરે છે.