ભાજપ આસામના બાંગ્લાદેશી ઘૂસણખોરો મામલે કેમ મૌન?
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ હમણાં પાછો આસામમાં વધી રહેલી મુસ્લિમ વસ્તીનો મુદ્દો છેડી દીધો છે. સરમાના કહેવા પ્રમાણે, આસામમાં મુસ્લિમ વસ્તી દર 10 વર્ષે 30 ટકા વધી રહી છે એ જોતાં આસામ 2041 સુધીમાં મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય બની જશે. આ વાસ્તવિકતા છે અને તેને કોઈ રોકી શકે તેમ નથી.સરમાએ અફસોસ પણ વ્યક્ત કર્યો કે, આસામમાં હિંદુ સમુદાયની વસ્તી દર 10 વર્ષે માત્ર 16 ટકા વધી છે તેથી આસામમાં હિંદુઓ લઘુમતીમાં આવી જશે એ નક્કી છે. ભારતમાં 2011 પછી વસ્તી ગણતરી થઈ નથી ને 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, આસામની કુલ વસ્તીમાં 61.47 ટકા હિંદુ જ્યારે 34.22 ટકા મુસલમાનો હતા. આ સંજોગોમાં સરમા પાસે નવા આંકડા ક્યાંથી આવ્યા તેની તેમને જ ખબર પણ આ આંકડા ચિંતાજનક કહેવાય જ.
કોઈ પણ રાજ્યમાં ડેમોગ્રાફિક એટલે કે અલગ અલગ આધાર પર વસ્તીનાં સમીકરણ બદલાઈ જાય તેની રાજકીય અસરો તો પડતી જ હોય છે પણ સામાજિક અસરો પણ પડતી હોય છે અને કાયદો તથા વ્યવસ્થા પર પણ અસર પડતી હોય છે. આ મૂળ મુદ્દો બાંગ્લાદેશી ઘૂસણખોરોનો છે પણ ભાજપ તેમની વાત કરતો જ નથી. બાકી આ જ ભાજપ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ખોંખારા ખાઈ ખાઈને કહેતો હતો કે, આસામમાં અમારી સરકાર આવશે તો અમે શોધી શોધીને બાંગ્લાદેશી ઘૂસણખોરોને તેમના દેશમાં પાર્સલ કરી દઈશું. ભાજપ આસામ જ નહીં પણ કેન્દ્રમાં પણ સત્તામાં આવી ગયો પણ કશું કર્યું નથી. આસામમાં ભાજપ બાજી મારી ગયો તેનું કારણ આ મુદ્દો હતો. ભાજપે આસામ વિધાનસભાની ચૂંટણી વખતે પણ જોરશોરથી ઘૂસણખોરોની પારાયણ માંડી દીધેલી ને તેના કારણે ઓળઘોળ થયેલા લોકોએ તેમને સત્તા પણ આપી દીધી.
બીજી વાર પણ સત્તા આપી પણ સરમાની સરકારે હરામ બરાબર એક પણ બાંગ્લાદેશીને અહીંથી કાઢ્યો હોય તો. ભાજપ કેન્દ્રમાં સત્તા પર નહોતો ત્યારે કૂદી કૂદીને બાંગ્લાદેશી ઘૂસણખોરોને લાત મારીને તગેડવાની વાતો કરતો હતો. હવે તગેડવાની વાત તો છોડો પણ હજુ સુધી આ દેશમાં કેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે એ શોધવાનું કામ પણ ભાજપે કર્યું નથી. ભાજપે માત્ર ઘૂસણખોરોનો સર્વે કરાવ્યો હોત તો પણ એવું લાગત કે, ભાજપને આ મુદ્દો ઉકેલવામાં રસ છે બાંગ્લાદેશી ઘૂસણખોરોને તગેડવા છપ્પનની છાતી જોઈએ ને આ દસ વરસમાં ભાજપના નેતાઓની છાતી કેટલા ઈંચની છે એ મપાઈ ગયું છે. ભાજપને ભીડ પડે કે ચૂંટણી આવે ત્યારે જ બાંગ્લાદેશી ઘૂસણખોરો યાદ આવે છે.