For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કંગનાના ગાંધીજી અંગે લવારા સામે ભાજપ કેમ ઘૂંટણિયે?

12:53 PM Oct 03, 2024 IST | Bhumika
કંગનાના ગાંધીજી અંગે લવારા સામે ભાજપ કેમ ઘૂંટણિયે
Advertisement

થોડા સમયની શાંતિ પછી ભાજપની સાંસદ અને એક્ટ્રેસ કંગના રણૌત પાછી વર્તાઈ છે. 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિન એટલે કે ગાંધી જયંતી હતી. ગાંધીજીની જન્મજયંતી પર કંગના રણૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ડહાપણ ડહોળ્યું છે કે, દેશના પિતા નહીં, દેશના તો લાલ હોય છે. ધન્ય છે, આ ભારત માતાના પુત્રને. કંગનાને ગાંધીજી આદરણીય ના લાગતા હોય ને તેમને માન આપવાની જરૂૂર નથી એવું લાગતું હોય તો એ તેના પોતાના વિચારો છે ને એ વિચારો તેણે પોતાની પાસે રાખવા જોઈએ, જાહેરમાં આ બકવાસ વિચારો વ્યક્ત કરીને ગાંધીજી પર કટાક્ષ કરવાની જરૂૂર નહોતી. ગાંધીજી પર કટાક્ષ કરીને કંગનાએ પોતાની હલકી માનસિકતા વ્યક્ત કરી છે. એક કહેવત છે કે, તમને સૂરજ પર ધૂળ નાંખો તો સૂરજને કંઈ ના થાય પણ ધૂળ તમારા પર આવીને જ પડે. ગાંધીજી વિશે બકવાસ કરનાર દરેકને આ કહેવત એકદમ લાગુ પડે છે ને કંગનાને પણ લાગુ પડે જ છે.

કમનસીબે ભાજપ કંગનાના લવારા પર ચૂપ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરે ને બીજી તરફ કંગના મહાત્મા ગાંધીનું અપમાન કરી રહી છે. નરેન્દ્ર મોદી માનો કે કંઈ ના બોલે પણ ભાજપે તો કંગનાને રોકવી જોઈએ પણ ભાજપનો કોઈ ટોચના નેતા કંગનાને કશું કહેવા તૈયાર નથી. એક માત્ર પંજાબ ભાજપના વરિષ્ઠ નેતા હરજીત ગ્રેવાલે કંગનાની ઝાટકણી કાઢીને કહ્યું છે કે, કંગનાએ ગાંધીજી વિશે આપેલું નિવેદન ખૂબ જ શરમજનક છે. કંગનાની કોંગ્રેસ પણ ઝાટકણી કાઢી છે પણ તેનાથી કંગનાને કદાચ ફરક પડતો નથી. કંગના પહેલાં પણ આ રીતે ગાંધીજી વિરુદ્ધ લવારા કરી ચૂકી છે અને મોં-માથા વિનાની વાતો કરી ચૂકી છે. તેનું કારણ એ કે, કંગનાનું કોઈ વાંચન નથી, કોઈ અભ્યાસ નથી, કોઈ બુદ્ધિમત્તા નથી. વોટ્સએપ યુનિવર્સિટી પર પિરસાતો એંઠવાડ ખાઈને ઓકનારી જમાતમાંથી કંગના આવે છે ને તમે એંઠવાડ ખાઓ એટલે ઊલટી જ કરવાનાં, કંગના પણ ઊલટીઓ પર ઊલટીઓ કરીને ગંધ ફેલાવી રહી છે.

Advertisement

આ પહેલાં કંગનાએ મહાત્મા ગાંધીએ આપેલા અહિંસાના મંત્રની પણ મજાક ઉડાવીને કહેલું કે,કોઈ એક ગાલ પર તમાચો મારે ત્યારે બીજો ગાલ આગળ કરવાથી ભિક્ષા મળે, આઝાદી નહીં. કંગનાએ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે, દેશને અસલી આઝાદી 2014માં મળી જ્યારે 2017માં મળેલી આઝાદી તો ભીખ હતી. ભાજપના જ સાંસદ વરુણ ગાંધીએ આ વાત સામે વાંધો લીધેલો. વરુણે સવાલ કરેલો કે, દેશની આઝાદી માટે લડનારા શહીદ મંગલ પાંડેથી માંડીને રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનો તિરસ્કાર કરીને કંગના જે માનસિકતા બતાવી રહી છે તેને ગાંડપણ કહું કે દેશદ્રોહ? ટૂંકમાં કંગનાની માનસિકતા ગાંધીજી વિરોધી છે ને આ માનસિકતા છાસવારે દેખાયા કરે છે. તેનાથી ગાંધીજીને કંઈ ફરક પડતો નથી.

કંગના જેવાં બહુ આવ્યા ને ગયાં, ગાંધીજીને વરસોથી આ રીતે ગાળો અપાય છે પણ તેના કારણે ગાંધીજી રાષ્ટ્રપિતા મટી ગયા નથી ને લોકો હજુય ગાંધીજીને પૂજે જ છે. તેનું કારણ એ કે, ગાંધી એક માણસ નહીં પણ એવી વિચારધારા કે જેને કોઈ કદી ખતમ નહીં કરી શકે. ગાંધીજીની હત્યા ભલે થઈ પણ તેમની વિચારધારા નથી મરી. બલ્કે આ વિચારધારા વધારે પ્રબળ બની છે. કહેવાતાં હિંદુવાદી સંગઠનોના નેતા વરસોથી ગાંધીજી સામે મનફાવે એવી વાતો કર્યા કરે છે પણ તેના કારણે ગાંધીજી અપ્રિય થયા નથી

Advertisement
Tags :
Advertisement
Advertisement