હિન્દુત્વની વાતો કરનારાઓ બાંગ્લાદેશ મામલે કેમ મૌન?
ભારતમાં રાજકારણીઓ બોલવા બેસે ત્યારે પોતે શું ભરડી રહ્યા છે તેનું ભાન રાખતા નથી. તેનું તાજુ ઉદાહરણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાન વિશે કરેલી આગાહી છે. વિભાજન વિભીષકા સ્મૃતિ દિવસ નિમિત્તે યુપીની રાજધાની લખનઉમાં કાર્યક્રમને સંબોધન કરતાં યોગી આદિત્યનાથે જાહેર કરી દીધું કે, પાકિસ્તાનનોં કાં તો ભારતમાં વિલય થઈ જશે કાં હંમેશા માટે અંત થઈ જશે. યોગીના કહેવા પ્રમાણે, મહર્ષિ અરવિંદે 1947માં જ કહી દીધેલું કે, આધ્યાત્મિક જગતમાં પાકિસ્તાનની કોઈ હૈસિયત નથી તેથી તેનું અસ્તિત્વ નહીં ટકે. યોગીએ બાંગ્લાદેશના હિંદુઓની સ્થિતિ પર પણ આંસુ સાર્યાં અને કહ્યું કે, આજે દોઢ કરોડ હિંદુ બાંગ્લાદેશમાં તકલીફમાં છે.
આ હિંદુઓ બૂમો પાડી પાડીને પોતાનો જીવ બચાવવાની વિનંતી કરી રહ્યાં છે પણ દુનિયા મૌન છે. દેશના સેક્યુલરોનાં મોં બંધ છે કેમ કે તેમને લાગે છે કે હિંદુઓની ચિંતા કરવા જઈશું તો પોતાની મતબેંક ખસી જશે. આ લોકોની માનવીય સંવેદના મરી ચૂકી છે તેથી તેમને હિંદુઓની નહીં પણ પોતાની મતબેંકની વધારે ચિંતા છે. અખંડ ભારતનું સપનું પાકિસ્તાન ભારતમાં ભળે તો જ સાકાર થાય તેથી એ લોકો છેલ્લાં કેટલાંક વરસોથી પાકિસ્તાન તૂટી પડશે એ નવું તૂત લઈ આવ્યા છે પણ આ વાતોમાં આવવા જેવું નથી. આ દેશનાં લોકો અને ખાસ તો હિંદુઓએ એક બીજી વાત બહુ સારી રીતે સમજી લેવાની જરૂૂર છે કે, પાકિસ્તાન તૂટશે તો પણ ભારતમાં ભળવાનું નથી. પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરવાદનો પ્રભાવ જોતાં એ ભારતમાં ભળી જાય એ વાતમાં માલ જ નથી. પાકિસ્તાન ભારતમાં ભળી જશે એવી વાતો કરનારા હિંદુઓને ભ્રમિત કરી રહ્યા છે અને એક બહુ મોટા ખતરા તરફથી તેમનું ધ્યાન હટાવી રહ્યા છે. પાકિસ્તાનનું આધ્યાત્મિક વજૂદ નથી એવું કહેનારા મહર્ષિ અરવિંદનું અસ્તિત્વ મટી ગયું પણ પાકિસ્તાન તો ત્યાં જ છે.
બલકે છેલ્લાં 77 વર્ષમાં પરમાણુ બોમ્બ બનાવીને વધારે તાકાતવર થયું છે. દુનિયાનો કોઈ દેશ આધ્યાત્મિકતાના આધારે અસ્તિત્વ નથી ટકાવતો. અમેરિકા પાસે કઈ આધ્યાત્મિકતા છે ? આ બધી બકવાસ વાતો છે ને એ બંધ કરીને પાકિસ્તાન ભારતમાં ભળી જશે એવાં થૂંક ઉડાડવાનું છોડો. તેના બદલે પાકિસ્તાનના આતંકવાદનો સફાય કઈ રીતે કરાય, કાશ્મીરમાં આપણા નાગરિકો અને સૈનિકોને કઈ રીતે બચાવાય એ વિશે વિચારો. યોગીએ બાંગ્લાદેશના હિંદુઓની ચિંતા કરી છે તો તેની વાત પણ કરી લઈએ. યોગી બાંગ્લાદેશના હિંદુઓ પર અત્યાચારો થાય છે ને આખી દુનિયા ચૂપ છે એવાં રોદાણાં રડવા બેઠા છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોને મુસ્લિમ મતબેંકની ચિંતા છે એટલે એ લોકોને હિંદુઓનું ના બળે પણ તમે તો હિંદુઓના મતોથી સત્તા ભોગવો છો ને ? કેન્દ્રમાં તમારી સરકાર છે, છપ્પનની છાતીવાળા વડા પ્રધાન છે, દેશનું લશ્કર તમારા તાબા હેઠળ છે છતાં બાંગ્લાદેશના હિંદુઓની બૂમો સાંભળીને કશું કેમ કરતા નથી ? કેમ કે જીગર નથી. હિંદુઓને બચાવવા માટે જે મર્દાના મિજાજ જોઈએ એ મર્દાના મિજાજ નથી. એટલે જ પોતે કશું કરવું નથી ને બીજાં પર દોષારોપણ કર્યા કરે છે.