ભત્રીજાના ભાગે આખો થાળ: પશુપતિ NDAથી છેડો ફાડશે
- કેન્દ્રીય મંત્રી તરીકે પણ રાજીનામું આપશે
બિહારમાં સીટોની વહેંચણીને લઈને નારાજ કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના વડા પશુપતિકુમાર પારસ આજે એનડીએથી અલગ થવાની જાહેરાત કરી શકે છે. તેઓ કેન્દ્રીય મંત્રી પદ પરથી પણ રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પશુપતિ પારસ અને તેમની પાર્ટીના નેતાઓ આરજેડીના સંપર્કમાં છે.
આરજેડી પણ પશુપતિ પારસ પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે. પારસ એનડીએમાં પોતાની સાથે થયેલા અન્યાયને લઈને જનતાની વચ્ચે જવાની તૈયારી કરી રહ્યા છે. બિહારમાં એનડીએ વચ્ચે સીટો વહેંચાઈ ગઈ છે. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી બિહારમાં 17 બેઠકો પર ચૂંટણી લડશે, જનતા દળ (યુનાઈટેડ) 16 બેઠકો પર અને ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં પાંચ બેઠકો પર ચૂંટણી લડશે.
બેઠકોની વહેંચણી અંગેની સમજૂતીમાં એનડીએમાં સામેલ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના દાવાની અવગણના કરવામાં આવી છે અને તેને એક પણ બેઠક આપવામાં આવી નથી. બીજેપીના મહાસચિવ અને બિહાર મામલાના પ્રભારી વિનોદ તાવડેએ અહીં બીજેપી હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (ગઉઅ) ના ઘટક પક્ષોની સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. આ પ્રથમ વખત બનશે જ્યારે બિહારમાં મુખ્યમંત્રી નીતિશકુમારના નેતૃત્વવાળી જેડી(યુ) કરતા ભાજપને વધુ બેઠકો મળી છે.