કોરોનાનો પોઝિટિવ દર 11 ટકાએ પહોંચતા WHOની ચેતવણી
કેસોમાં ઝડપી વધારો ચિંતાજનક, રસીકરણ ચાલુ રાખવા તાકીદ
દુનિયાભરમાં કોવિડ-19 વાયરસનું પુનરુત્થાન ચિંતાનું કારણ બન્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ તાજેતરમાં જ કોરોનાવાયરસની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો નોંધી ગંભીર ચેતવણી જાહેર કરી છે. WHOના ડેટા અનુસાર, ફેબ્રુઆરી 2025ના મધ્યથી SARS-CoV-2વાયરસની પ્રવૃત્તિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે, કોવિડ પરીક્ષણોનો પોઝિટિવિટી દર 11% સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ 2024 પછીનો સૌથી ઊંચો આંકડો છે.
WHOના જણાવ્યા અનુસાર, આ વધારો ખાસ કરીને પૂર્વીય ભૂમધ્ય, દક્ષિણ-પૂર્વ એશિયા અને પશ્ચિમ પેસિફિકના પ્રદેશોમાં જોવા મળી રહ્યો છે, જે દર્શાવે છે કે વાયરસ ફરીથી વૈશ્વિક સ્તરે ફેલાઈ રહ્યો છે. WHOએ કોરોના વેરિઅન્ટ્સના ટ્રેન્ડમાં આવેલા ફેરફારો પર પણ પ્રકાશ પાડ્યો છે. અગાઉ પ્રભાવી LP.8.1 વેરિઅન્ટ હવે ઘટી રહ્યો છે, જ્યારે NB.1.8.1 વેરિઅન્ટને વેરિઅન્ટ અંડર મોનિટરિંગની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે, કારણ કે તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. મે 2025ના મધ્ય સુધીમાં, NB.1.8.1 વેરિઅન્ટ વિશ્વભરમાં નોંધાયેલા કુલ જીનોમિક સિક્વન્સના 10.7% હિસ્સો ધરાવે છે, જે તેની ઝડપી ફેલાવવાની ક્ષમતા સૂચવે છે.
દિલ્હી AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાના નવા પ્રકારો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉંગ.1 વેરિઅન્ટ, જે ઓગસ્ટ 2023 માં નોંધાયો હતો, તે હવે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત છે. તેમણે ચેતવણી આપી હતી કે આ વેરિઅન્ટમાં કેટલાક પરિવર્તનો થયા છે, જેના કારણે તે વધુ ચેપી બન્યો છે. તેના સામાન્ય લક્ષણોમાં શરદી, ફ્લૂ, તાવ, ઉધરસ અને ગળામાં દુખાવો શામેલ છે. ખાસ કરીને હૃદયની સમસ્યા, ડાયાબિટીસ અથવા ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂૂર છે.
વધતા કેસોને જોતા, WHOએ તમામ સભ્ય દેશોને જોખમ-આધારિત અને સંકલિત વ્યૂહરચના અનુસાર COVID-19નું સંચાલન કરવા વિનંતી કરી છે. WHOના મહાનિર્દેશકની ભલામણોનું પાલન કરવાનું અને રસીકરણ કાર્યક્રમોને બંધ ન કરવાનું સ્પષ્ટપણે જણાવાયું છે. ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને રસી આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે ગંભીર બીમારી અને મૃત્યુને રોકવા માટે રસી સૌથી અસરકારક માધ્યમ છે.