ભૂખ લાગે ત્યારે રસોડામાં નહીં પણ ખેતરમાં જાઉં છું
મીરા સાંઈ મુરલીએ દાયકાથી સાબુ,શેમ્પૂ, ટૂથબ્રશ, ટૂથ પેસ્ટ વાપર્યા નથી સાફ-સફાઈ માટે માટી,રાખ અને લીંબુ, સંતરાની છાલથી બનાવેલ બાયો એન્ઝાઈમનો ઉપયોગ કરે છે
મીરા સાંઈ મુરલીને ત્યાં ફાર્મ ટૂર માટે લોકોની લાઇન લાગે છે, નેચરોપેથીના અભ્યાસુ, જુદી-જુદી સંસ્થાના લોકો, ટૂરિસ્ટ તેમજ પર્યાવરણ પ્રેમીઓ ફાર્મની મુલાકાત લે છે
પૃથ્વી ઉપર દરેકને જીવવાનો અધિકાર છે પરંતુ કોઈને નુકસાન પહોંચાડીને નહીં. આપણે ભૂમિને માતા કહીએ છીએ આમ છતાં તેને નુકસાન પહોંચાડીએ છીએ. પર્યાવરણ પર આપણું જીવન નિર્ભર છે છતાં તેની સુરક્ષા માટે આપણે એટલા ગંભીર નથી. બધા લોકો પર્યાવરણ સુરક્ષા વિશે જાણે જ છે છતાં તેનો અમલ કરતા નથી. હું જે માનું છું તે આચરણમાં પણ મૂકું છું. મારી જરૂૂરિયાત ઓછી છે છતાં હું ખુશ છું. આ શબ્દો છે 67 વર્ષની ઉંમરે પણ છ વર્ષના બાળક જેવી ઉર્જાનો અનુભવ કરતા કોઇમ્બતુરના મીરા સાંઈ મુરલીના.જે પોતાના એક એકરના ખેતરમાં ખેતી કરે છે અને ત્યાં જ ઘર બનાવીને રહે છે.છેલ્લા એક દાયકાથી તેઓએ સાબુ,શેમ્પૂ, ટૂથબ્રશ, ટૂથ પેસ્ટ વાપર્યા નથી.સાફ સફાઈ માટે માટી,રાખ અને લીંબુ, સંતરાની છાલથી બનાવેલ બાયો એન્ઝાઈમનો ઉપયોગ કરે છે. સવારે ટૂથ બ્રશના બદલે જામફળના પાન ચાવે છે અથવા તો જુદા-જુદા વૃક્ષોની ડાળીઓનો દાતણ તરીકે ઉપયોગ કરે છે. ઈલેક્ટ્રિસિટીનો ઓછામાં ઓછો ઉપયોગ કરે છે અને તેના માટે પણ સોલાર વસાવેલ છે.
મીરાનો જન્મ કેરાલામાં થયો અભ્યાસ અને ઉછેર મુંબઈમાં થયો.અભ્યાસ પૂર્ણ થતાં લગ્ન થયા અને દીકરીનો જન્મ થયો.નાબાર્ડમાં નોકરી કરતા હતાં.સુખી જીવન માટે જે જોઈએ તે પૈસો, માન,સન્માન,પરિવાર બધું જ હતું પરંતુ અંદરથી કંઈક ખૂટતું હોય તેવું લાગતું.મનમાં વિચાર આવતો કે ગામડામાં જઈને કુદરતના ખોળે રહેવું છે.દીકરીના લગ્ન થતાં જોબ છોડી વીઆરએસ લઈ તામિલનાડુ આવ્યા.કુદરતના સાંનિધ્યમાં રહેવા ખેતી માટે જમીન લીધી પણ માર્ગ સરળ નહોતો.અત્યાર સુધી જમીનમાં કેમિકલનો ઉપયોગ ખૂબ કરવાથી જમીન ખરાબ થઈ ગઈ હતી. પોતાના આ સંઘર્ષના સમયની વાત કરતા તેઓ જણાવે છે કે ધીમે ધીમે મેં જમીનનો અભ્યાસ કર્યો. ખેતીને લગતા જુદા-જુદા અભ્યાસક્રમોમાંથી શીખ્યું. પરમા કલ્ચર સહિત જુદી-જુદી પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી. શીખવું એક બાબત છે. અને તેનો અમલ કરવો એ જુદી બાબત છે ક્યારેક બીજ યોગ્ય ન હોય, ક્યારેક પાણીનો પ્રશ્ન હોય, ક્યારેક સૂર્યપ્રકાશ પૂરતો ન હોય આમ જુદા જુદા સંજોગોનો સામનો કરતા ઘણું શીખવા મળ્યું. ‘મારે ફાર્મિંગમાંથી પૈસા કમાવા નહોતા તેથી શું વાવવું તેનો નિર્ણય જમીન પર છોડ્યો જમીન માટે જે યોગ્ય હોય તે ઉગાડવાનું શરૂૂ કર્યું.્’
તામિલનાડુ નજીક કોઇમ્બતુર પાસે એક એકરની જમીનમાં તેઓ જે સીઝન હોય તે વાવે છે.પોતાની જરૂૂરિયાતથી વધુ ઊગેલ ફળો,શાકભાજી અન્યને આપી દે છે.એમને ત્યાં ફાર્મ ટૂર માટે લોકોની લાઇન લાગે છે.
તેમને ત્યાં નેચરોપેથીના અભ્યાસુ, જુદી-જુદી સંસ્થાના લોકો, ટૂરિસ્ટ તેમજ પર્યાવરણ પ્રેમીઓ મુલાકાત લે છે.મુલાકાત દરમિયાન મીરા તેઓને શાકભાજી ફળો વગેરેનો આસ્વાદ કરાવે છે ત્યારે ફાર્મ ટૂર પૂરી થતા લોકોનું પેટ ભરાઈ જાય છે.એટલે જ મીરા સાંઈ મુરલી જણાવે છે કે જેટલા કુદરત સાથે રહેશો એટલા સ્વસ્થ અને સુખી રહેશો. ભૂખ લાગે ત્યારે લોકો રસોડામાં જાય છે હું ખેતરમાં જાઉં છું. ત્યાં ઉગેલા ફળો, શાકભાજી ચૂંટીને ખાઉં છું.જમીનમાં એવી અનેક ઔષધીય વનસ્પતિ છે જે તેની જાતે ઊગી નીકળે છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ આપણને તેની જાણકારી નથી. ચોમાસા દરમિયાન અનેક ભાજી ઊગી નીકળે છે જેના નામ આપણે જાણતા નથી,પરંતુ ચોમાસામાં ખાવાથી સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે.
ઋતુ મુજબના શાકભાજી, ફળો ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.ઘણા વર્ષોથી મેં કોઈપણ બીમારીની દવા લીધી નથી. માણસે ઝડપની જિંદગીમાં જરાક થોભવાની જરૂૂર છે કુદરત તરફ એક નજર કરવાની જરૂૂર છે.જે કુદરત તમને જીવન,ખોરાક પાણી આપે છે તેને નુકસાન કરવાનો કોઈને પણ અધિકાર નથી.
પર્યાવરણની સુરક્ષામાં પતિ સાંઈ મુરલી અને દીકરી પણ સાથ આપે છે. મીરાના મત મુજબ લગ્ન કરીને દુબઈમાં સ્થાયી થયેલ દીકરી જો ઓછામાં ઓછી જરૂૂરિયાત અને પ્લાસ્ટિકના ઉપયોગ ટાળીને પર્યાવરણની સુરક્ષા કરતી હોય તો દરેક ગ્રામજન, શહેરીજનો કે પછી મેટ્રોસિટીમાં રહેતા કોઈપણ લોકો આ રીતે પર્યાવરણનું જતન કરી જ શકે છે. ઘણી વાર આપણે દેખાદેખીના કારણે અને મોડર્ન ગણાવાની લ્હાયમાં પ્લાસ્ટિક ,પેપર,પાણી, વગેરેનો બેફામ ઉપયોગ કરીએ છીએ.ટિસ્યુ પેપર,પાણીની બોટલ,પ્લાસ્ટિક બેગ, ડિસ્પોઝેબલ કપ,ગ્લાસ વગેરે અગણિત વસ્તુઓ છે જેના વિકલ્પ છે,જેના વગર આપણે ચલાવી શકીએ.જરાક પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનશો તો ખ્યાલ આવશે કે પ્રકૃતિ ગુંગળામણ અનુભવી રહી છે.
કવિતા અને વાર્તા લખતા મીરા જણાવે છે કે જેટલું કુદરત સાથે રહેશો તેટલું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને જ્યારે તમે સ્વસ્થ હશો તો મગજમાં ક્રિએટિવ વિચાર આવશે. કુદરતને,ભૂમિ માતાને નુકસાન થાય છે તે મને ગમતું નથી અને જો લોકોને સંદેશ આપવા જઈએ તો તે પણ કદાચ ન ગમે તેથી હું આ સંદેશ મારા લખાણ દ્વારા લોકો સુધી પહોંચાડું છું.છેલ્લા શ્વાસ સુધી કુદરતના ખોળે જીવવું તેમજ પર્યાવરણ વિશે વધુમાં વધુ લોકો જાગૃત થાય, ભૂમિ માતાને પરેશાની ઓછી થાય એ જ સ્વપ્ન છે. મીરા સાંઈ મુરલીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પ્લાસ્ટિક બોટલ પર્યાવરણ માટે ખતરનાક
પ્લાસ્ટિક બોટલનો અમર્યાદિત ઉપયોગ જોઈને મીરાને ખૂબ દુ:ખ થાય છે તેઓ જણાવે છે કે હાઈજીનના બહાના હેઠળ આજે આપણે પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરીએ છીએ પરંતુ વિચારો કે તડકામાં ગમે ત્યાં એ બોટલો પડી રહે છે, પ્લાસ્ટિકમાં રહેલું પાણી હેલ્થ માટે પણ સારુ નથી.ખાલી બોટલ જ્યાં ફેંકો છો ત્યાં પ્લાસ્ટિક કચરો ભેગો થાય છે અને પર્યાવરણને નુકસાન કરે છે તેમજ બોટલનું બધું જ પાણી લોકો પી જતા નથી થોડું ફેંકી દેશે એટલે પાણીનો પણ બગાડ થાય છે તેથી પ્લાસ્ટિક બોટલ પર્યાવરણ માટે ખૂબ જ ડેન્જર છે.
ગૃહિણીનો પર્યાવરણ સુરક્ષામાં મહત્ત્નો રોલ
ગૃહિણી પર્યાવરણની સુરક્ષા ખૂબ સારી રીતે કરી શકે છે. મીરા જણાવે છે કે માતા બાળકોને પર્યાવરણ બચાવવાના પાઠ સારી રીતે શીખવી પર્યાવરણ બચાવવામાં મદદ પણ કરી શકે છે.ઘરમાં રહેલ કચરામાંથી ખાતર બનાવી ઘરના પ્લાન્ટમાં નાખી દો.બાળકોને પ્લાસ્ટિક બોટલમાં પાણી ન આપો. ખરીદી કરવા જાવ ત્યારે જૂના કપડામાંથી બનાવેલ થેલા-થેલીનો ઉપયોગ કરી શકો. યુઝ એન્ડ થ્રો વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળો.રેડી ટુ ઇટ નાસ્તા જે પ્લાસ્ટિકમાં આવે છે તેનો ઓછો ઉપયોગ કરો.