કર્નલ સોફિયા કુરેશી ભાજપ માટે ગમે તે હોય, જનતા માટે દેશની દીકરી છે
પાકિસ્તાની આતંકવાદીઓનો ઘડોલાડવો કરવા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર બદલ આખા દેશને દેશની ઈન્ડિયન આર્મી પર ગર્વ છે. લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ સાથે મળીને હાથ ધરેલા આ ઓપરેશને પાકિસ્તાન અને આતંકવાદ બંનેને હચમચાવી નાંખ્યા છે, ત્યારે મધ્ય પ્રદેશના આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહે ઓપરેશન સિંદૂર અંગે બ્રીફિંગ કરવા માટે આવેલાં કર્નલ સોફિયા કુરેશી વિશે કરેલી અપમાનજનક અને આઘાતજનક ટીપ્પણી સામે દેશભરમાં આક્રોશ છે. વિજય શાહે જાહેરમાં કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન ગણાવીને અપમાનિત કરી તેની મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે પણ નોંધ લીધી અને વિજય શાહ સામે દેશમાં કોમી ઉશ્કેરણી કરવા બદલ એફઆઈઆર નોંધવા ફરમાન કર્યું ત્યારે ભાજપની નેતાગીરી આ મુદ્દે ચૂપ છે.
દેશનું ગૌરવ એવાં કર્નલ સોફિયા કુરેશી માટે આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે ત્યારે તેમના માટે અપમાનજનક ટીપ્પણી કરનારા મંત્રીને ભાજપે લાત મારીને તગેડી મૂકવા જોઈએ પણ તેના બદલે ભાજપના નેતા આ મુદ્દે હરફ પણ ઉચ્ચારી રહ્યા નથી. વિજય શાહ કર્નલ સોફિયા કુરેશી માટે આવા શબ્દો ઉચ્ચારે છે કેમ કે કર્નલ સોફિયા મુસ્લિમ છે. આ વાત હાઈ કોર્ટે કહેવી પડી છે પણ ખરેખર તો ભાજપની નેતાગીરીએ કરવી જોઈએ અને બીજું કંઈ કરવાની તાકાત ના હોય તો વિજય શાહ પાસે કમ સે કમ જાહેરમાં માફી તો મંગાવવી જ જોઈએ. આ દેશમાં એક વર્ગ એવો છે કે, જેને ભાજપની જરાક ટીકા કરો તો પણ મરચાં લાગી જાય છે.
ભાજપની ભૂલો કે બેવડાં ધોરણ તરફ ધ્યાન દોરાય તો પણ ટીકાકાર પર ભાજપવિરોધી ને દેશવિરોધી હોવાનું લેબલ લગાવવા કૂદી પડે છે. અત્યારે ભાજપના એક મંત્રી ઈન્ડિયન આર્મીમાં 20 વર્ષથી વધારે સમયથી સેવા આપતી દેશની દીકરી પર આતંકવાદીઓની બહેન હોવાનું લેબલ લગાવી રહ્યા છે ત્યારે તેમની બોલતી બંધ છે. ભાજપની ટીકા કરાય ત્યારે જ જેમનો દેશપ્રેમ ઉછાળા મારવા માંડે છે એ લોકોને શરમ આવવી જોઈએ. હિંદુઓનો ઈતિહાસ તો દેશની દીકરીઓ માટે મરી ફિટવાનો છે. અહીં એક બે બદામનો મંત્રી બેફામ લવારા કરે છે ને બધાં ચૂપ છે. દેશની દીકરીના બચાવમાં બોલી નહીં શકનારાં બધાંને લાનત છે. ભારતની 150 કરોડ જનતા માટે તો કર્નલ સોફિયા કુરેશી દેશ કી બેટી છે, ભાજપ માટે શું છે?