મોદીની નિવૃત્તિ બાબતે સંઘ વડા શું કામ જવાબ આપે?
લિકર કેસમાં લગભગ છ મહિનાનો જેલવાસ ભોગવીને બહાર આવેલા દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકીય રીતે પાછા સક્રિય થઈ ગયા છે. તેમણે ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના વડા મોહન ભાગવતને પત્ર લખીને પાંચ સવાલ પૂછ્યા છે. કેજરીવાલે ઈડી અને સીબીઆઈ સહિતની કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગથી માંડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃત્તિ સુધીના પાંચ મુદ્દા પર ભાગવતને સવાલો પૂછ્યા છે. કેજરીવાલનો પહેલો સવાલ ભાજપના નેતા બીજા પક્ષોના નેતાઓને તોડીને લઈ આવે છે એ અંગે છે. કેજરીવાલનું કહેવું છે કે, મોદી સરકાર દેશભરમાં ઈડી અને સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓની ધમકી આપીને કે લાલચ આપીને બીજા પક્ષોના નેતાઓને તોડી લાવે છે અને સરકારો તોડી નાખવામાં આવી રહી છે. કેજરીવાલે સવાલ કર્યો છે કે, આ રીતે ચૂંટાયેલી સરકારોને પછાડવી યોગ્ય છે અને સંઘ આ નીતિને સ્વીકારે છે? કેજરીવાલનો બીજો સવાલ ભ્રષ્ટ નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે તે અંગે છે.
કેજરીવાલને કહેવા પ્રમાણે જે કેટલાક નેતાઓને ખુદ વડા પ્રધાન મોદી અને અમિત શાહે ભ્રષ્ટ કહ્યા હતા એ જ નેતાઓને થોડા દિવસ પછી ભાજપમાં લઈ અવાય છે અને પછી એ બધા સ્વચ્છ થઈ જાય છે. સંઘે આવી ભાજપની કલ્પના કરી હતી? આ બધું જોઈને તમને દુ:ખ નથી થતું? કેજરીવાલે સવાલ કર્યો છે કે, ભાજપ ખોટા રસ્તે જાય તો તેને સાચા રસ્તે લાવવાની જવાબદારી સંઘની છે તો તમે ક્યારેય પીએમ મોદીને ખોટા કામો કરતા રોકવાનો પ્રયાસ કર્યો છે ખરો? કેજરીવાલે આરએસએસ અને ભાજપના સંબંધો અંગે પણ સવાલ કર્યો છે.
ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ લોકસભા ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે, હવે ભાજપને આરએસએસની જરૂર નથી. આ નિવેદનથી આરએસએસના કાર્યકરોને દુ:ખ થયું છે ત્યારે તમે આ વિશે શું વિચારો છો? કેજરીવાલે સૌથી વિવાદાસ્પદ સવાલ મોદીની નિવૃત્તિ અંગે કર્યો છે. કેજરીવાલના કહેવા પ્રમાણે, ભાજપમાં 75 વર્ષની વય પછી નેતાઓને નિવૃત્ત કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. આ નિયમ હેઠળ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ નેતાઓને નિવૃત્ત કરવામાં આવ્યા હતા. કેજરીવાલે સવાલ કર્યો છે કે, આ નિયમનું ભાજપમાં હજુ પાલન થઈ રહ્યું છે અને મોદીને પણ આ નિયમ લાગુ પડવો જોઈએ કે નહીં ? કેજરીવાલના સવાલો રસપ્રદ છે પણ ત્રણ સવાલ એવા છે કે જે ભાગવતને લાગુ પડતા નથી. આ પૈકી સૌથી એક સવાલ મોદીની નિવૃત્તિને લગતો છે. ભાજપમાં 75 વર્ષની વય પછી નેતાઓને નિવૃત્ત કરવાનો નિયમ બનાવવામાં આવ્યો કે નહીં એ વિશે ભાગવત કઈ રીતે જવાબ આપી શકે ?
આ ભાજપની આંતરિક બાબત છે ને તેનો જવાબ ભાજપ પાસે માગવો જોઈએ. સંઘ ભાજપનું પિતૃ સંગઠન મનાય છે ખરું પણ ભાજપ કંઈ દરેક વાત સંઘને પૂછીને કરે એ જરૂૂરી નથી. ભાજપમાં 75 વર્ષની વય પછી નેતાઓને નિવૃત્ત કરવાનો નિયમ બનાવવામાં આવ્યો એ અંગે ભૂતકાળમાં બહુ ચર્ચા થઈ છે પણ ભાજપના નેતા કહે છે કે, એવો કઈ નિયમ નથી. કેજરીવાલે ઉઠાવેલા બાકીના બે સવાલો જાહેર જીવનમાં શુદ્ધતાને લગતા છે તેથી ભાગવતે તેના જવાબ આપવા જોઈએ. ભ્રષ્ટ નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે અન ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈને ક્લીન થઈ જાય છે એ મુદ્દો મહત્ત્વનો છે. મોદી સરકાર દેશભરમાં ઈડી અને સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરે છે એ વાસ્તવિકતા છે. ભાગવતે આ સવાલના જવાબ આપવા જોઈએ પણ સંઘની નીતિ મહત્ત્વના મુદ્દે મૌન રહેવાની છે એ જોતાં આ મુદ્દે એ જવાબ આપે એવી આશા રાખવા જેવી નથી.