રખડતા કૂતરાઓ મુદ્દે શું કર્યું? વર્ચ્યુઅલ નહીં રૂબરૂ હાજર રહેવા તમામ રાજ્યોના સચિવોને ફરમાન
સુપ્રીમ કોર્ટે આજે રખડતાં શ્વાન મુદ્દે સુનાવણી કરતાં ફરી એકવાર રાજ્યોની ઝાટકણી કાઢી છે. સોલિસીટર જનરલ તુષાર મહેતાની રાજ્યોના મુખ્ય સચિવોને આ કેસમાં વર્ચ્યુઅલી હાજરી આપવાની દલીલ પર સુપ્રીમ કોર્ટ ગુસ્સે થઈ હતી અને તેણે 3 નવેમ્બરના રોજ શારીરિક રૂૂપે હાજરી આપવાનો સ્પષ્ટ આદેશ જાળવી રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદિપ મહેતાએ વર્ચ્યુઅલી હાજરીની અરજી ફગાવતાં કહ્યું હતું કે, કોર્ટના આદેશોનું કોઈ માન નથી, રાજ્યના મુખ્ય સચિવોએ શારીરિક હાજરી જ આપવી પડશે. ઉલ્લેખનીય છે, આ નિર્દેશ અગાઉ 22 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે આપેલા સોગંદનામું રજૂ કરવાના આદેશનું અનુપાલન કરવામાં નિષ્ફળ રહેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે છે. તેઓએ એનિમલ બર્થ કંટ્રોલ નિયમ હેઠળ વિસ્તૃત માપદંડોની માગણી કરતુ સોગંદનામું રજૂ કર્યું ન હતું.
અગાઉ આ કેસમાં બિહાર સરકારે પણ તેમના મુખ્ય સચિવને હાજરી આપવામાંથી મુક્તિ આપવા માગ કરી હતી. રાજ્યમાં 6 અને 11 નવેમ્બરે ચૂંટણી હોવાથી બિહારે આ રાહત માગી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેની પણ અરજી ફગાવતાં કહ્યું કે, ત્યાં ચૂંટણી પંચ છે, તે કામગીરી સંભાળી લેશે, તમે ચિંતા ન કરશો. મુખ્ય સચિવને આવવા દો.
દેશભરમાં રખડતાં શ્વાન મામલે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર દ્વારા સોગંદનામું દાખલ ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે 27 ઓક્ટોબરના રોજ નારાજગી વ્યક્ત કરી હતી.
કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવને આ અંગે જાણ કરી ત્રણ નવેમ્બર સુધી જવાબ આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ઑગસ્ટમાં દેશભરના રખડતાં શ્વાનને પકડી, તેમનું ખસીકરણ કરી છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
તેના અનુપાલન માટે રાજ્ય અને કેન્દ્રશાસિત સરકારને સોગંદનામું રજૂ કરવા કહ્યું હતું. જેમાં માત્ર પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને નવી દિલ્હીએ જ સોગંદનામું રજૂ કર્યું હતું.
