પશ્ચિમ બંગાળના ગમખ્વાર અકસ્માત: ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 9 લોકોના કમકમાટીભર્યા મોત
આજે પશ્ચિમ બંગાળમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. આજે સવારે પુરુલિયા-ટાટા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 18 પર આ અકસ્માત થયો હતો. બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નામસોલ પ્રાથમિક શાળા પાસે થયેલા આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે
મળતી માહિતી અનુસારકારમાં સવાર નવ લોકો પુરુલિયાથી ઝારખંડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કારની બર્મપુર તરફથી આવી રહેલા ટ્રક સાથે ટકકર થઇ હતી.આ ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત થયાં હતાં. પોલીસે જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ નવ લોકોને મૃત જાહેર કર્યા હતા.
બધા લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. ફોર વ્હીલર બોલેરો કાર પુરુલિયાથી બલરામપુર જઈ રહી હતી. કાર નિયંત્રણ બહાર ગઈ અને વિરુદ્ધ દિશામાંથી આવતા ટ્રક સાથે અથડાઈ. કારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ટ્રક પણ નિયંત્રણ બહાર ગયો અને નજીકના ડાંગરના ખેતરમાં ઘૂસી ગયો અને પલટી ગયો. માહિતી મળતાં બલરામપુર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ.