અમને કોઇપણ કિંમતે વિરાટ કોહલી જોઇએ જ, રોહિત શર્માની સ્પષ્ટ વાત
- T-20માં કોહલીના સમાવેશ બાબતે વિવાદ ચગ્યો
આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024માંથી વિરાટ કોહલીનું પત્તુ કપાઇ શકે છે. તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યુ હતું. તેની પાછળ કારણ અપાયુ હતું કે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં વિકેટ ધીમી હશે અને ત્યાં વિરાટની બેટિંગ સ્ટાઈલથી ભારતને ફાયદો નહીં થાય. જો કે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદે તેનાથી વિપરીત મોટો દાવો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ ટીમમાં વિરાટ કોહલીને ઈચ્છે છે. તેણે જય શાહને પણ આ માટે વાત કરી છે.
કીર્તિ આઝાદે કહ્યું કે અજીત અગરકરને અન્ય પસંદગીકારો સાથે વાત કરવા અને સમજાવવા માટે 15 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો કે વિરાટ કોહલીને ટી20 વર્લ્ડ કપમાં સ્થાન નહીં મળે. જો કે અગરકર કોઇને મનાવી શકયા ન હતા. જેથી હવે વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપ રમશે અને તેની સત્તાવાર જાહેરાત ટીમ સિલેક્શન પહેલા કરવામાં આવશે. કીર્તિ આઝાદે લખ્યું, કેમ જય શાહ, તે પસંદગીકાર નથી, તેણે અજીત અગરકરને જવાબદારી સોંપવી જોઈએ કે તે અન્ય પસંદગીકારો સાથે વાત કરે અને તેમને સમજાવે કે વિરાટ કોહલીને ટી20 ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. આ માટે 15 માર્ચ સુધી સમય આપવામાં આવ્યો હતો. તેણે આગળ લખ્યું, જો સૂત્રોનું માનીએ તો અજીત અગરકર બીજા પસંદગીકારોને મનાવી શક્યા નથી. રોહિતે શર્માએ પણ જય શાહને કહ્યું કે અમને કોઈપણ કિંમતે વિરાટ કોહલી જોઈએ છે. વિરાટ કોહલી ઝ20 વર્લ્ડ કપ રમશે. અને તેની સત્તાવાર જાહેરાત ટીમની પસંદગી પહેલા કરવામાં આવશે. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે તાજેતરમાં ટી20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માની કેપ્ટન તરીકે નિમણૂકની પુષ્ટિ કરી હતી. અગરકરે કોહલીને ટી20 ક્રિકેટ પ્રત્યેનો તેમનો અભિગમ બદલવા કહ્યું હતું, જેને કોહલીએ અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયો ન હતો. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે કોહલીને વેસ્ટ ઈન્ડિઝની ધીમી વિકેટો અનુકુળ નહી આવી શકે. તેથી અજીત અગરકર અનુભવી ખેલાડીને યુવા ખેલાડીઓને તક આપવા સમજાવશે. બીસીસીઆઇનું માનવું છે કે ટી20માં કોહલીની સરખામણીમાં સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રિંકુ સિંહ અને શિવમ દુબે જેવા યુવા ખેલાડીઓ સારુ પર્ફોમસ કરી શકે છે.