જિસ કે તડ મેં લડુ, ઉસ મેં હમ: અબ્દુલ્લા પરિવારની આ નીતિ રહી છે
ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનલસિસ વિંગ’ (છઅઠ)ના ભૂતપૂર્વ વડા એ.એસ. દુલતની નવી બુક ’ધ ચીફ મિનિસ્ટર એન્ડ ધ સ્પાય’ 18 એપ્રિલે પબ્લિશ થવાની છે. પશ્ચિમની દેખાદેખી આપણે ત્યાં પણ પુસ્તકની હવા જમાવવા અને તેની પબ્લિસિટી કરવા માટે પુસ્તકની સનસનાટીભરી વાતો ફેલાવવાની ફેશન લાંબા સમયથી ચાલે છે. અત્યારે માર્કેટિંગનો જમાનો છે ને બોલ એનાં બોર વેચાય એવી હાલત છે તેથી માલ વેચવો હોય તો એ કરવું જ પડે તેથી તેમાં કશું ખોટું નથી.
દુલતના પુસ્તક ’ધ ચીફ મિનિસ્ટર એન્ડ ધ સ્પાય’ના પણ કેટલાક અંશો પુસ્તકના વિમોચન પહેલાં મીડિયામાં ફરતા થયા છે ને તેમાં સૌથી મહત્વની વાત જમ્મુ એન્ડ કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ 370ને લગતી છે. દુલતે ’ધ ચીફ મિનિસ્ટર એન્ડ ધ સ્પાય’માં દાવો કર્યો છે કે નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ તથા કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડો. ફારુક અબ્દુલ્લા જમ્મુ એન્ડ કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરવા માટે ગુપ્ત રીતે સંમત થયા હતા.
ભારતમાં લોકો કલમ 370ને ભૂલી ગયાં છે તેથી લોકોને આ મુદ્દો બહુ મહત્ત્વનો નથી લાગતો પણ જમ્મુ અને કાશ્મીરમાં હજુય કલમ 370 મોટો મુદ્દો છે. ભાજપ સિવાયના પક્ષો સૈદ્ધાંતિક રીતે જમ્મુ એન્ડ કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ 370 પાછી લાવવા માગે છે. ફારુકની નેશનલ કોન્ફરન્સ તેમાં અંગ્રેસર છે ત્યારે ફારુકે જમ્મુ એન્ડ કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ 370ની નાબૂદી માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સાથે અંદરખાને સાંઠગાંઠ કરેલી એવી વાતથી કમ સે કમ જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં તો ખળભળાટ મચે જ ને અત્યારે એવી જ સ્થિતી છે. અબ્દુલ્લા પરિવારની છાપ એ રીતે ભારત વિરોધી છે. ફારુક છાસવારે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવાની તરફેણ કરીને આ છાપને વધારે મજબૂત બનાવે છે પણ પાકિસ્તાનની અવદશા જોયા પછી તેમને ભારત સાથે રહેવામાં જ શાણપણ છે એ સમજાયું હોય તો સારું છે.