રાજસ્થાનમાં કફ સિરપથી મોત મામલે અમે જવાબદાર નથી: આરોગ્ય પ્રધાને હાથ ઉંચા કરી દીધા
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તાજેતરમાં થયેલા બાળકોના મૃત્યુને કફ સિરપ સાથે જોડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં મૃત્યુઆંક 9 થયો છે, જ્યારે રાજસ્થાનમાં બે બાળકોના મોત થયા છે. કુલ 11 મૃત્યુ બાદ, સરકારની નોડલ એજન્સી, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) એ તપાસ વધુ તીવ્ર બનાવી છે.
દરમિયાન આરોગ્ય પ્રધાન ગજેન્દ્ર શેખાવતે આજે દાવો કર્યો હતો કે સરકારી ડોકટરો દ્વારા કફ સીરપ પ્રિસ્ક્રીપ્શન લખવામાં આવ્યું નહોતું અને સરકારી હોસ્પીટલો દ્વારા આપવામાં આવ્યુ નહોતું. તેમણે જણાવ્યું હતું કે આ મામલો તેમના વિભાગ હેઠળ આવતો નથી.
દરમિયાન છિંદવાડાના પારસિયા વિસ્તારમાં વાયરલ તાવથી પીડિત બાળકોની સ્થિતિ સતત બગડતી રહે છે. જિલ્લામાં વધુ ત્રણ બાળકોના મોત થયા છે, જેના કારણે મૃત્યુઆંક નવ થયો છે, જે અગાઉ છ મૃત્યુના અહેવાલ હતા.
બીજી તરફ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઓછામાં ઓછા આઠ બાળકોના મૃત્યુ સાથે તેને જોડતા મીડિયા અહેવાલોને પગલે ડ્રગ્સ નિયંત્રણ વહીવટ વિભાગ (DDCA) એ તમિલનાડુમાં કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. અને ઉત્પાદકના કાંચીપુરમ પ્લાન્ટમાં તમામ સ્ટોક સ્થિર કરી દીધો છે.