મહારાષ્ટ્ર-ઝારખંડમાં કાલે મતદાન: ભાજપ-વિપક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
લોકસભાની ચૂંટણીમાં પછડાટ બાદ હરિયાણામાં અનપેક્ષિત વિજય પછી એનડીએ બન્ને રાજ્યોમાં સત્તા કબજે કરવા મેદાને
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે તથા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 38 બેઠકો માટે બુધવારે યોજાનારા મતદાન માટે બંને રાજ્યોમાં ચૂંટણીપ્રચારના પડઘમ શાંત થયા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-શિવસેના યુબીટી અને એનસીપી-એસપીની બનેલી મહાવિકાસ આઘાડી અને ભાજપની આગેવાની હેઠળની શિવસેના-શિંદે અને એનસીપી અજીત પવારની મહાયુતિ સત્તા હાંસલ કરવા આમને સામને ચૂંટણી લડી રહ્યા છે.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સમૃદ્ધિ માર્ગ અને મુંબઇ મેટ્રોના વિકાસકાર્યો અને લાડકી બહિન યોજનામાં અપાતી રકમ વધારવાના તથા મહારાષ્ટ્રને એક ટ્રિલિયન ડોલરની ઇકોનોંમી બનાવવાના વચનો ચૂંટણી પ્રચારમાં આપ્યા છે. મહાયુતિને વિકાસતરફી દર્શાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં સઘન પ્રચાર કર્યો છે.
બીજી તરફ મહાવિકાસ આઘાડીએ મહાયુતિના ગેરશાસન, ભ્રષ્ટાચાર, વધતું જતું દેવું તથાખડૂતો અને હાંસિયામાં ધકેલાઇ ગયેલાં સમુદાયોની ઉપેક્ષાના મુદ્દાને આગળ કર્યા છે. શરદ પવાર, રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેએ તેમના પ્રચારમાં પાક વીમા લોન માફી, જાતિ ગણતરી અને અનામતની મર્યાદા વધારવા જેવા મુદ્દા પર ભાર મુક્યો હતો. મહારાષ્ટ્રમાં બુધવારે 9.70 કરોડ મતદારો 1,00,186 મતદાનમથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરી 158 પક્ષો ના તથા અપક્ષો મળી કુલ 4,136 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
બીજી તરફ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 38 બેઠકો પર ચૂંટણી લડી રહેલાં 528 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે. ઝારખંડ મુક્તિ મોરચાના મુખ્ય પ્રધાન હેમંત સોરેન સામે ભાજપના બાબુલાલ મરાંડી ચૂંટણી લડી રહ્યા છે. બીજી મહત્વની ચૂંટણી અમર બાઉરી અને સુદેશ મહતો વચ્ચે થશે. 2019ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ બેઠકો પર પ્રભૂત્વ ધરાવનારો ઝારખંડ મુક્તિ મોરચો ઇન્ડિયા બ્લોકના ટેેકા સાથે આ બેઠકો પર તેની પક્કડ જાળવી રાખવા મથશે તો ભાજપની આગેવાની હેઠળ એનડીએ પુનરાગમન કરવાની આશા સાથે ચૂંટણી લડી રહ્યા છે. ઝારખંડમાં બીજા તબક્કાના મતદાનમાં 1.23 કરોડ મતદારો 14,218 મતદાનમથકે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. બંને રાજ્યોમાં પ્રચારનો અંત આવવા સાથે મતદારો હવે આખરી નિર્ણય લઇ તેમના નેતાઓને ચૂંટવા સજ્જ બનશે.
લોકસભાની ચૂંટણીમાં પછડાટ બાદ હરિયાણા વિધાનસભાની ચુંટણીમાં વિજય મેળવ્યા બાદ ભાજપ બન્ને રાજયોમાં સફળતાની આશા રાખી રહ્યો છે. બીજી બાજુ વિપક્ષ માટે ખાસ કરીને મહારાષ્ટ્રમાં જીત ખુબ મહત્વની છે. કેમ કે વિપણી એકતા તેના પર નિર્ભર છે. ભાજપ જો મેદાન મારી જશે તો પુરવાર થશે કેે મોદીની લોકપ્રિયતા અકબંધ છે.
કાર પર પથ્થરમારો થતાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી દેશમુખને માથામાં ઇજા
નાગપુર જિલ્લામાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી (એસપી) નેતા અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ પથ્થરમારામાં પૂર્વ મંત્રી અનિલ દેશમુખ ઘાયલ થયા છે. નાગપુર પોલીસે આ બાબતની પુષ્ટિ કરી છે. પૂર્વ ગૃહ પ્રધાન અને NCP શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખ પર નાગપુરના કાટોલ વિધાનસભા ક્ષેત્રમાં હુમલો થયો છે, જે દરમિયાન ઘણા લોકોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે તેમને માથામાં ઈજા થઈ હતી. આ કિસ્સામાં, એનસીપી-એસસીપી નેતા અનિલ દેશમુખે આરોપ લગાવ્યો છે કે કાટોલ વિધાનસભા મતવિસ્તારના કાટોલ જલાલખેડા રોડ પર કેટલાક લોકોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં તેને ઈજા થઈ છે અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અનિલ દેશમુખના પુત્ર સલિલ દેશમુખ એનસીપી શરદ પવારની ટિકિટ પર કાટોલ વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે.