ઝારખંડ અને 10 રાજ્યની પેટા ચૂંટણીની 74 બેઠકો પર મતદાન
પૂર્વ મુખ્યમંત્રી ચંપઇ સોરેન, મધુ કોડાના પત્ની ગીતા સહિત 683 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ, રાજસ્થાનની 7, પશ્ર્ચિમ બંગાળની 6, આસામની 5, બિહારની 4, કર્ણાટકની 3, એમ.પી.ની 2, છત્તીસગઢ-કેરળ-મેઘાલયની 1-1 બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન થયું
ઝારખંડમાં આજે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન થયું છે. આ સાથે વાયનાડની લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીના ભાગરૂૂપે 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થયું છે. ઝારખંડમાં બુધવારે પૂર્વમુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસ, પૂર્વ સીએમ મધુ કોડાનાં પત્ની ગીતા કોડા જેવા ચર્ચાસ્પદ નેતાઓ સહિત કુલ 683 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. બીજીબાજુ વાયનાડ લોકસભા બેઠક પર હાલ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે.
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં આજે અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે કુલ 2.60 કરોડ મતદારોમાંથી 1.37 કરોડ મતદારો બુધવારે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન કરશે. બાકીની 38 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થશે. ઝારખંડમાં પહેલા તબક્કામાં બુધવારે સૌથી વધુ છ બેઠકો પૂર્વ સિંહભૂમ જિલ્લામાં છે. ત્યાર પછી પલામુ, પશ્ચિમી સિંહભૂમ અને રાંચી જિલ્લામાં પાંચ-પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર બુધવારે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જોકે, 950 મતદાન મથકો પર સાંજે 4 વાગ્યે મતદાન પૂરું થઈ જશે. રાજ્યમાં 43માંથી 17 બેઠકો સામાન્ય, 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત છે.
ઝારખંડમાં નક્સલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખતા ચૂંટણી પ્રક્રિયામાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે વ્યૂહાત્મક સ્થળો પર સુરક્ષા દળોની 200થી વધુ કંપનીઓ તૈનાત કરાઈ છે. પહેલા તબક્કામાં 73મહિલા સહિત 683 ઉમેદવારો મેદાનમાં છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં આ 43 બેઠકોમાંથી 30 બેઠકો પર ઝારખંડ મુક્તિ મોરચા, 25 બેઠકો પર ભાજપ અને 16 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.
ઝારખંડમાં બુધવારે કેટલીક મહત્વપૂર્મ બેઠકોમાં સરાઈકેલા કે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ આ બેઠક પર 2005થી ઝામૂમોના પ્રતિનિધિ તરીકે ચૂંટાતા હતા. આ વખતે તેઓ પહેલી વખત ભાજપના ઉમેદવાર તરીકે લડશે. આ સિવાય જમશેદપુર પૂર્વમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઓડિશાના વર્તમાન રાજ્યપાલ રઘુબર દાસનાં પુત્રવધૂ પુર્ણિમા દાસ સાહુ કોંગ્રેસના અજય કુમાર સામે મેદાનમાં છે. જગન્નાથપુરમાં પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનાં પત્ની ગીતા કોડા ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના નેતા સોના રામ સિંકુ સામે લડશે.
દરમિયાન દેશમાં પેટા ચૂંટણીના ભાગરૂૂપે વાયનાડ લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણીના રાજકારણમાં પદાર્પણ કરી રહ્યાં છે. આ પેટા ચૂંટણીમાં મતદાનથી કોઈપણ જગ્યાએ સરકારો પર કોઈ મોટી અસર થવાની નથી, પરંતુ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન હરિયાણામાં નિષ્ફળ ગયા હોવાથી આ પેટા ચૂંટણીઓને કોંગ્રેસ તથા ઈન્ડિયા ગઠબંધન માટે મોટા પડકાર સમાન માનવામાં આવે છે. આ મોટાભાગની બેઠકો વર્તમાન ધારાસભ્યો લોકસભા ચૂંટણી લડીને જીત્યા હોવાથી ખાલી પડી છે. વિવિધ રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં રાજસ્થાનમાં સાત, પશ્ચિમ બંગાળમાં છ, આસામમાં પાંચ, બિહારમાં ચાર, કર્ણાટકમાં ત્રણ, મધ્ય પ્રદેશમાં બે અને છત્તિસગઢ, ગુજરાત, કેરળ તથા મેઘાલયમાં એક-એક બેઠકો પર મતદાન થશે.
વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધીની રાજકીય કારકીર્દી સફર શરૂ થઇ
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર રચાયા બાદ આજે અલગ-અલગ રાજયોમાં પેટાચુંટણી અને ઝારખંડ વિધાનસભાની ચુંટણીનો પ્રથમ તબકકો શરૂ થયો છે. આ ચુંટણીમાં દેશઆખાની નજર કેરળના વાયનાડ પર છે. વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રીયંકા ગાંધી રાજકારણ પ્રદાપર્ણ કરી રહયા છે. કોંગ્રેસ અને ઇન્ડીયા ગઠબંધન હરિયાણામાં નિષ્ફળ ગયા હોવાથી રાજકીય વિશ્ર્લેશકો વાયનાડ બેઠકની પેટાચુંટણીને અગત્યની માની રહયા છે. વાયનાડ બેઠક પરંપરાગત રીતે ગાંધી પરિવારની બેઠક રહી છે.
ઝારખંડમાં મતદાન કેન્દ્રમાં CRPF જવાનને માથામાં ગોળી વાગી: હાલત ગંભીર
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન, લાતેહાર વિધાનસભા ક્ષેત્રમાં એક મતદાન કેન્દ્ર પર અકસ્માત થયો હતો. મતદાન કેન્દ્ર પર ફરજ પર રહેલા સીઆરપીએફ જવાનને ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ ઘાયલ સૈનિકને સારવાર માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને વધુ સારી સારવાર માટે રાંચી રીફર કર્યો છે. સીઆરપીએફ જવાન સંતોષ કુમાર યાદવ વિધાનસભા ચૂંટણીને લઈને લાતેહારના લભરમાં ફરજ પર હતા. બુધવાર, 13 નવેમ્બર, 2024 ની વહેલી સવારે, ધરણાંમાં જ આકસ્મિક ગોળીબાર થયો હતો, જેમાં સંતોષ કુમાર યાદવને માથામાં ગોળી વાગી હતી. ધરણાં પર તૈનાત સૈનિકોએ તેને તાત્કાલિક સારવાર માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.