મતદારો મતદાન મથકે ભીનો ટુવાલ લાવે: ચૂંટણીપંચની સૂચના
- ભીષણ ગરમી, હિટવેવની આગાહીને ધ્યાનમાં લઈ ચૂંટણી પંચે મતદાન મથકે પાણી, મેડિકલ કિટની વ્યવસ્થા માટે નવી ગાઈડલાઈન જારી કરી
આગામી લોકસભા ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે. 4 જૂને મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે. ભારતીય હવામાન વિભાગે મતદાન દરમિયાન તીવ્ર ગરમી અને હીટ વેવની ચેતવણી જારી કરી છે. IMDના એલર્ટ બાદ ચૂંટણી પંચે એડવાઈઝરી જારી કરી છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન તમામ સંજોગોમાં મતદાન મથકો પર પાણી, ORS અને ‘મેડિકલ કીટ’ સહિતની અનેક આવશ્યક સુવિધાઓ પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ગરમીના મોજાનો સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા પણ શેર કરી છે.
ચૂંટણી પંચે તેના તમામ સીઈઓને 16 માર્ચે એક પત્ર મોકલ્યો હતો, જે દિવસે લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તેણે મતદાન મથકો પર મતદાન દરમિયાન ભારે ગરમીનો સામનો કરવા માટે જરૂૂરી સુવિધાઓ અંગે અગાઉ જારી કરાયેલી સૂચનાઓની યાદ અપાવી હતી. જૂન 2023ની ચૂંટણી પંચની સૂચનાઓ અનુસાર, દરેક મતદાન પક્ષને ઉનાળા દરમિયાન તેમના ઉપયોગ માટે ‘ORS ’ પૂરા પાડવા જોઈએ. મતદારોને ડીહાઇડ્રેશનથી બચાવવા માટે મતદાન મથકો પર ભીના ટુવાલ લાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને મહિલા મતદારોને મતદાન મથકો પર બાળકોને તેમની સાથે લાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.