વક્ફ કાયદા વિરૂદ્ધ બંગાળમાં હિંસક વિરોધ, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી: કલમ 163 લાગુ, ઈન્ટરનેટ બંધ
આજે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ (સુધારા) કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. આજે મુર્શિદાબાદમાં બે લોકોના મોત થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શમશેરગંજ વિસ્તારના જાફરાબાદ વિસ્તારમાં હિંસક ટોળાએ પિતા-પુત્રની હત્યા કરી હતી. આ ઘટના આજે બપોરે બની હતી, જ્યારે એક ટોળાએ એક ગામ પર હુમલો કર્યો હતો. મુર્શિદાબાદમાં હિંસા બાદ કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી છે, ઇન્ટરનેટ બંધ છે. પોલીસ અને બીએસએફ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનો અને એમ્બ્યુલન્સને નિશાન બનાવ્યા. દરમિયાન, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ મુર્શિદાબાદમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાની માંગણી સાથે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. અગાઉ, શુક્રવારે (૧૧ એપ્રિલ) ના રોજ મુર્શિદાબાદમાં શુક્રવારની નમાજ પછી હિંસા ફાટી નીકળી હતી.
શુક્રવારના મુર્શિદાબાદમાં થયેલી હિંસાના નિશાન હજુ ભૂંસાઈ ગયા ન હતા, તે પહેલાં આજે ફરી હિંસા ફાટી નીકળી. આ હિંસામાં પિતા અને પુત્રની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે શુક્રવારે મુર્શિદાબાદના સુતીમાં હિંસા શરૂ થઈ હતી. શુક્રવારની નમાજ પછી, હજારો લોકો વક્ફ એક્ટ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને NH-34 ને બ્લોક કરી દીધો હતો. જ્યારે પોલીસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી નાકાબંધી હટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભીડ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.
આ પછી, અહીંથી લગભગ 10 કિમી દૂર મુર્શિદાબાદના શમશેર ગંજ ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હજારો લોકો એકઠા થયા. શમશેરગંજના ડાક બંગલા વળાંક પર વિરોધીઓએ હોબાળો મચાવ્યો. અહીં પાર્ક કરેલા પોલીસ વાહનોને પહેલા આગ ચાંપી દેવામાં આવી. ત્યારબાદ અહીં એક પોલીસ ચોકીમાં તોડફોડ કરવામાં આવી અને આગ લગાવી દેવામાં આવી. એટલું જ નહીં, રસ્તાની બાજુમાં આવેલી દુકાનો અને ટુ-વ્હીલરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને આગ ચાંપી દેવામાં આવી હતી.
ઉશ્કેરાયેલા ટોળાએ ધુલિયાં સ્ટેશન નજીક રેલ્વે ગેટ અને રિલે રૂમને નિશાન બનાવ્યું. ભારે પથ્થરમારો થયો. તોડફોડ થઈ હતી. ઘરને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સમય દરમિયાન, રેલ્વે સ્ટાફે કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો અને ત્યાંથી બહાર નીકળી ગયા. બાદમાં, મોટી સંખ્યામાં પોલીસ અને કેન્દ્રીય દળોના જવાનો અહીં પહોંચ્યા અને પરિસ્થિતિને કાબુમાં લીધી. હાલમાં આ વિસ્તારોમાં કેન્દ્રીય દળો અને પશ્ચિમ બંગાળ પોલીસ તૈનાત છે. વિસ્તારમાં તણાવ છે.