સ્ત્રીઓ સામે હિંસા: એક ચિંતાજનક વાસ્તવિકતા
આજના ટેક્નોલોજીભર્યા આધુનિક યુગમાં, જ્યાં માણસ ચંદ્ર અને ગ્રહો પર પહોંચી ગયો છે. અવનવી ટેક્નોલોજી તેમજ શિક્ષણક્ષેત્રે રોજ નવી ઉંચાઈઓ સર કરી રહ્યો છે, ત્યાં એ જ યુગમાં એક કડવી હકીકત પણ છે, જે છે સ્ત્રીઓ સામે હિંસા. હજુ પણ અનેક ઘરોમાં સ્ત્રીઓ ઘરેલું હિંસા, દેહવ્યાપાર, જાતિ આધારિત ભેદભાવ, દહેજનું દબાણ, દીકરીઓની હત્યા, બળાત્કાર તેમજ આજે તો અતિ વધતો જતો કિસ્સો એટલે કે બ્લેકમેલ અને સાઈબર હેરેસમેન્ટ જેવી અનેક અસહ્ય પરિસ્થિતિનો સામનો સ્ત્રીઓને કરવો પડે છે.
આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રીઓને શક્તિ, લક્ષ્મી, દુર્ગા કે સરસ્વતી તરીકે પૂજવામાં આવે છે જે પૂજન ફક્ત દિવાના પ્રકાશ સુધી જ મર્યાદિત રહી જાય છે. વાસ્તવમાં તો ઘણી સ્ત્રીઓને પોતાના ઘરમાં માન સન્માન પણ મળતું નથી. એક બાજું સ્ત્રીઓ રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લઈ રહી છે તો બીજી બાજુ તેને અબળા કે નબળી જાત સમજીને દબાવવામાં આવે છે. પુરુષો જો સ્ત્રીઓને દેવી નહીં સમજતા માત્ર સ્ત્રી સમજીને એક જીવ ગણે તો પણ ઘણું કહેવાય. દેશ આઝાદ જરૂૂર થયો છે, પરંતુ સ્ત્રીઓ હજુ પુરુષોની નજરમાં કેદખાનામાં જ હોવી જરૂૂરી સમજે છે. સ્ત્રીઓને સમાનતા આપવા માટે પુરુષોને મર્દાનગી અને અહમ્ આડે આવે છે. ઘરમાં દરેક વાતે ઉતારી પાડતા જરાય ખચકાતા નથી. અહીં, બધા પુરુષો ખરાબ પણ નથી હોતા, પરંતુ જે વાસ્તવિકતા છે એ ખૂબ કડવી પણ છે.
આજે સ્ત્રીઓની સાચી સુરક્ષા પોલીસ કે માત્ર કાયદાથી જ નહીં આવી શકે, પરંતુ એ માટે જરૂૂરી શિક્ષણ અને જાગૃતિ બંને ખૂબ જરૂૂરી છે. જેમ કે, દરેક દીકરીઓને સમાન શિક્ષણ મળે, પોતાના અધિકારો માટે બોલવાની હિંમત મળે, દીકરી અને દીકરાઓ વચ્ચેના ભેદભાવો જે મોટા ભાગના કુટુંબોએ બનાવ્યા છે તે જડમૂડથી નીકળી જાય તો જ સમાજમાં સમાનતા ઊભી થઈ શકે. સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના પૂરક છે. બંને વગર સમાજની એક પણ વ્યવસ્થા ટકી શકે તેમ નથી. છતાં સ્ત્રીઓ આજે ઘરમાં પૂરાઈને અત્યાચાર સહન કરતી હોય છે. બંને વચ્ચે સ્પર્ધા નહીં પણ સમાનતા હોવી જરૂૂરી છે. આજે સમાનતાના નામે ઘણી સ્ત્રીઓ પણ સ્પર્ધા સમજીને હર્યાભર્યા કુટુંબને તોડી પાડે છે.
આજે દુનિયામાં સ્ત્રીઓ ડોક્ટર, વૈજ્ઞાનિક, પાઇલટ, રાજકીય નેતા, એન્જિનિયર કે સૈનિક પણ બની રહી છે, તો બીજી બાજુ સ્ત્રીઓને ઘરમાં જ પૂરીને અત્યાચાર, દહેજ માટે મોત, અબળા કહીને વારંવાર મારપીટ જેવી અનેક ઘટનાઓ પણ સામે આવે છે. બંને વચ્ચે કોઈ તાલમેલ જ નથી. ઘરમાં દીકરી હોય કે દીકરો બંનેને એક માનવ તરીકે સમાન જીવવાનો પૂરો અધિકાર છે. હજુ આજે પણ ઘણા ઘરોમાં દીકરીને ઉતરતી કક્ષાની માનવામાં આવે છે. જો બંનેને સમાન અધિકાર અપાય તો જ ભારતનું ખરા અર્થમાં નિર્માણ થાય. સરકાર તો આ માટે ખૂબ જહેમત ઉઠાવી રહી છે, પણ રૂૂઢિચુસ્ત કુટુંબો કે પુરુષોનો અહમ્ આડે આવી જાય છે.
માનવજાતિના ઈતિહાસમાં ભલે સ્ત્રીઓને સ્નેહ, સંવેદના, શક્તિ કે સહનશીલતાનું પ્રતિક મનાય, પરંતુ વાસ્તવમાં તો સંસ્કૃતિ, શિક્ષણ અને આધુનિકતાની વાતો વચ્ચે પણ સ્ત્રીની સુરક્ષા અને સન્માન એક કોયડો જ છે. હિંસા માત્ર શરીર પર નહીં, પણ આત્મા પર લગાડેલી એક ભયાનક ચોટ છે. જ્યાં સુધી સમાજમાં પુરુષ મહાન અને સ્ત્રી નબળી એવા વાહિયાત વિચારો નહીં નીકળે ત્યાં સુધી હિંસા બંધ થવી મુશ્કેલ છે. આ માટે સ્કૂલોમાં શિક્ષકો દ્વારા કે ઘરમાં વાલીઓ દ્વારા દરેક બાળકોમાં વિચારક્રાંતિ લાવવી જરૂૂરી છે કે, સન્માન લિંગ પર નહીં, માનવતા પર આધારિત છે.
ચાલો સૌ સાથે મળી એક સંકલ્પ લઈએ
સ્ત્રીને સન્માન આપીએ, સુરક્ષા આપીએ,
હિંસામુક્ત સમાજના દિવા પ્રગટાવીએ.