For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મણિપુરમાં ફરી હિંસા: ટોળાએ ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં કરી તોડફોડ, ગોળીબારમાં 1નું મોત

10:41 AM Nov 18, 2024 IST | Bhumika
મણિપુરમાં ફરી હિંસા  ટોળાએ ભાજપ કોંગ્રેસની ઓફિસમાં કરી તોડફોડ  ગોળીબારમાં 1નું મોત
Advertisement

મણિપુરના જીરીબામ જિલ્લામાં ગઇ કાલે એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતકની ઓળખ અથોબા નામના 20 વર્ષીય યુવક તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુસ્સે થયેલી ભીડ અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. આ ઘટના જિરીબામ જિલ્લાના બાબુપુરામાં રાત્રે લગભગ 11 વાગ્યાની છે.

અહેવાલ મુજબ, ગઇ કાલે રાત્રે ગુસ્સે ભરાયેલા ટોળાએ જીરીબામ જિલ્લાના બાબુપુરામાં સ્થિત ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયોમાં તોડફોડ કરી હતી. રોષે ભરાયેલા ટોળાએ સંબંધિત કચેરીઓમાંથી ફર્નિચરનો સામાન કાઢીને સળગાવી દીધો હતો. આ પછી, સુરક્ષા દળોએ ભીડને વિખેરવા અને પરિસ્થિતિનો સામનો કરવા માટે ગોળીબાર કર્યો. આ દરમિયાન અથોબાને ગોળી વાગી, જેના કારણે તે ઘાયલ થયો અને બાદમાં તેનું મોત થયું. આ ઘટના જીરીબામ પોલીસ સ્ટેશનથી લગભગ 500 મીટરના અંતરે બની હતી.

Advertisement

માહિતી અનુસાર, સુરક્ષા દળોએ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં 107 ચોકીઓ અને ચેકપોસ્ટ સ્થાપિત કરી છે, જેમાં પહાડી અને ખીણ બંને વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ચેકપોસ્ટ પર કોઈપણ પ્રકારના ઉલ્લંઘન માટે કોઈ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી, જેના કારણે આ વિસ્તારમાં સુરક્ષા દળોની હાજરીની સકારાત્મક અસર જોવા મળી રહી છે.

આ સર્ચ ઓપરેશન હેઠળ, સુરક્ષા દળોએ નેશનલ હાઈવે-2 (NH-2) પર આવશ્યક ચીજવસ્તુઓથી ભરેલા 456 વાહનોની સલામત અવરજવર સુનિશ્ચિત કરી છે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને સંવેદનશીલ માર્ગો પર સુરક્ષા કાફલો તૈનાત કરવામાં આવ્યો છે જેથી વાહનોની અવિરત અને સલામત અવરજવર સુનિશ્ચિત કરી શકાય.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે બપોરે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે મણિપુરની તાજેતરની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક કરશે. ગૃહમંત્રી મહારાષ્ટ્રથી તેમના રાજકીય કાર્યક્રમો રદ કરીને રવિવારે દિલ્હી પહોંચ્યા હતા, ત્યારબાદ તેમણે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આ દરમિયાન, તેમણે ટોચના અધિકારીઓને ઉત્તર-પૂર્વીય રાજ્યમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો. તેમની સૂચનાઓને પગલે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના મહાનિર્દેશક અનીશ દયાલ સિંહે રવિવારે રાજ્યની મુલાકાત લીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement