VIDEO: દિલ્હીના અલીપુર વિસ્તારમાં પેઇન્ટ ફેકટરીમાં લાગી ભીષણ આગ, 11 શ્રમિકો જીવતા હોમાયા, ચારની હાલત ગંભીર
દિલ્હીના અલીપુરની એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 11 લોકોના મોત થયા. ફાયર બ્રિગેડ વિભાગે મૃત્યુની પુષ્ટિ કરી હતી. 22 ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જ્યારે ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયાના અહેવાલ છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
આ ઘટનાની વધુ માહિતી અનુસાર ઉત્તર દિલ્હીના અલીપુર વિસ્તારના દયાલ માર્કેટમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં ગઈ કાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ લાગ્યા બાદ ફેક્ટરીમાંથી ઘણા શ્રમિકો બહાર આવી શક્યા ન હતા અને 11 શ્રમિકો જીવતા ભડથું થયાં હતા, જ્યારે ચાર શ્રમિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃત્યુઆંક વધી શકે છે. મૃતક શ્રમિકોની ઓળખ હજુ સુધી થઈ નથી. ફાયર વિભાગની 22 ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ ઘટના ગઈ કાલે મોડી રાત્રે બની હતી. ઓછામાં ઓછા છ ફાયર એન્જિનો શરૂઆતમાં તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ આગ ટૂંક સમયમાં સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. બાદમાં વધુ ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા હતા. અલીપુરમાં એક સપ્તાહમાં આગની આ બીજી ઘટના છે. 11 ફેબ્રુઆરીના રોજ અલીપોરમાં જૂતાની ફેક્ટરીમાં આગ લાગી હતી.
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે દયાલ માર્કેટની ફેક્ટરીમાં આગ લાગવા કોલ આવ્યો હતો. ગર્ગે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 22 ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, જે આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા હતા. આગની આ ઘટના ભોરગઢ વિસ્તારમાં બની છે. આ અકસ્માત દયાલ માર્કેટના મકાન નંબર 692માં થયો હતો.