ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી: વિપક્ષે મજબૂત, લાયક ઉમેદવાર શોધ્યો પણ જીતશે નહીં
દેશના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અંતે કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા મોરચાએ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીની ઉમેદવાર તરીકે પસંદગી કરી નાખી. ભાજપની આગેવાની હેઠળનો એનડીએ પહેલાં જ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનની પસંદગી કરી ચૂક્યો છે. ભાજપે વિપક્ષોને રાધાકૃષ્ણન સામે ઉમેદવાર ઊભો રાખવાના બદલે ચૂંટણી ટાળવા વિનંતી કરી હતી પણ વિપક્ષો માન્યા નથી. ઉપરાષ્ટ્રપતિ પદે રાધાકૃષ્ણનની સર્વસંમતિથી અને બિનહરીફ વરણી કરવાના બદલે વિપક્ષોએ સુદર્શન રેડ્ડીની પસંદગી કરતા હવે ચૂંટણી થશે એ નક્કી છે. અત્યારે જે સ્થિતિ છે એ જોતાં આ ચૂંટણીનું પરિણામ નક્કી લાગે છે કે, રાધાકૃષ્ણન જીતશે કેમ કે કાગળ પર વિપક્ષો પાસે જસ્ટિસ રેડ્ડીને જીતાડવા માટે જરૂૂરી સંખ્યાબળ જ નથી પણ સાથે સાથે એ પણ સ્વીકારવું પડે કે, જસ્ટિસ રેડ્ડીની પસંદગી કરીને વિપક્ષોએ આ જંગને રસપ્રદ બનાવી દીધો છે. ઉપરાષ્ટ્રપતિ પદની 9 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણન પાસે જીતવા માટે જરૂૂરી 391 સાંસદોના બદલે 422 સાંસદોનો ટેકો છે.
સામે વિપક્ષો પાસે બધા ભેગા મળીને 360 સાંસદો પણ થતા નથી તેથી કાગળ પર તો એનડીએનું પલ્લું ભારે છે જ. ભાજપે રાધાકૃષ્ણનને પસંદ કરીને તમિળનાડુના શાસક પક્ષ ડીએમકેને ભેરવી દેવાની ચાલ ખેલી છે કેમ કે રાધાકૃષ્ણન તમિળ છે. ભાજપની ગણતરી એ છે કે, ડીએમકે તમિળ નેતાને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટેકો આપવાના બદલે બિન-તમિળને ટેકો આપી રહી છે એ મુદ્દો ના ચગે એટલે ડીએમકે રેડ્ડીની તરફેણમાં મતદાન કરવાના બદલે મતદાનથી અલિપ્ત રહે અને વિપક્ષોના મતોની સંખ્યામાં હજુ ઘટાડો થાય. બીજા નાના નાના પક્ષો પણ સત્તાધારી પક્ષની પંગતમાં બેસી શકે છે એ જોતાં રાધાકૃષ્ણનને એનડીએના સંખ્યાબળ કરતાં વધારે મત મળી જાય તેથી તેમની જીત પાકી થઈ જાય. વિપક્ષોએ ભાજપની ચાલનો જવાબ તેલુગુ કાર્ડ ખેલીને આપ્યો છે અને આ જંગને રસપ્રદ બનાવી દીધો છે.
જસ્ટિસ રેડ્ડી આંધ્ર પ્રદેશના છે તેથી ડીએમકેને જેવી મૂંઝવણ થાય એવી જ મૂંઝવણ ભાજપના સાથી ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ને પણ થાય. આ ચૂંટણી વિપક્ષી એકતાની પણ કસોટી કરશે. સામાન્ય રીતે આ પ્રકારની ચૂંટણી પહેલાં વિપક્ષો એક થઈને હોંકારા પડકારા કરતા હોય છે અને સત્તાધારી પાર્ટીને જોરદાર ટક્કર આપવાની વાતો કરે છે પણ ચૂંટણી આવે ત્યારે બે-ચાર પક્ષો તો ફસકી જ જતા હોય છે ને વિપક્ષી છાવણી છોડીને સત્તાધારી મોરચાની પંગતમાં બેસી જતા હોય છે. જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા ત્યારે પણ એવું થયેલું ને દ્રૌપદી મુર્ભૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીત્યાં ત્યારે પણ એવું થયેલું. આ વખતે પણ એવું બનવાની પૂરી શક્યતા છે.