ગુરુગ્રામથી લંડન સુધી વાડ્રાનો જમીની ખેલ: ત્રણ કેસમાં પ્રિયંકા-પતિ સામે ચાર્જશીટ તૈયાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા સામે તેની તપાસ વધુ તેજ કરી છે.ED ટૂંક સમયમાં મની લોન્ડરિંગના ત્રણ અલગ-અલગ કેસમાં વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે. ગુરુગ્રામ જમીન સોદા કેસ સહિત આ કેસોમાં વાડ્રાની સતત ત્રીજા દિવસે પૂછપરછ કરવામાં આવી હતી, જે કુલ 16 કલાક સુધી ચાલી હતી.ED ના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાર્જશીટ ફાઈલ થયા બાદ વાડ્રા સામે ત્રણેય કેસમાં એકસાથે આરોપો ઘડવાનો માર્ગ સ્પષ્ટ થઈ જશે.
અહેવાલ મુજબ, આ ત્રણમાંથી પહેલો કેસ ગુરુગ્રામમાં જમીનની ખરીદી સાથે સંબંધિત છે, જ્યાં વાડ્રા પર 7.5 કરોડ રૂૂપિયામાં જમીન ખરીદવાનો અને થોડા મહિનામાં તેને 58 કરોડ રૂૂપિયામાં વેચવાનો આરોપ છે. બીજો મામલો ભાગેડુ હથિયાર ડીલર સંજય ભંડારી સાથે જોડાયેલી લંડન સ્થિત મિલકતો સાથે સંબંધિત છે, જે કથિત રીતે સંરક્ષણ સોદામાંથી ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ કરીને ખરીદવામાં આવી હતી. ત્રીજો મામલો બિકાનેર જમીન કૌભાંડ સાથે સંબંધિત છે, જેમાં વાડ્રા પર નકલી દસ્તાવેજો દ્વારા વિસ્થાપિત લોકો માટે આરક્ષિત જમીન ખરીદવાનો આરોપ છે.
અન્ય એક કેસમાં, 21 નવેમ્બર, 2023ના રોજ દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં વાડ્રા, પ્રિયંકા ગાંધી અને સીસી થમ્પી પર 2005 અને 2008 વચ્ચે દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ વેપારી એચએલ પાહવા પાસેથી ફરીદાબાદમાં 531 એકર જમીન ખરીદવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં તે જમીન પાહવા, ગ્રુપની કંપનીઓને પાછી વેચી દેવામાં આવી હતી. કોર્ટે 22 ડિસેમ્બર 2023ના રોજ આ ચાર્જશીટની નોંધ લીધી અને આરોપ ઘડવાની પ્રક્રિયા શરૂૂ કરી. જોકે, તે સમયે વાડ્રા અને પ્રિયંકા આ કેસમાં આરોપી ન હતા.