ઉત્તરાખંડે સમાન નાગરિક કાયદાની પહેલ કરી: સમગ્ર દેશમાં લાગુ થવો જરૂરી
ઉત્તરાખંડ વિધાનસભામાં અંતે યુનિફોર્મ સિવિલ કોડનો ખરડો રજૂ કરી દેવામાં આવ્યો. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ વિધાનસભામાં રજૂ કરેલા ખરડામાં યુનિફોર્મ સિવિલ કોડના બદલે કોમન સિવિલ કોડ શબ્દો વાપરવામાં આવ્યા છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. ખરડાનું નામ ભલે ગમે તે હોય પણ તેની જોગવાઈઓ શું છે એ મહત્ત્વનું છે. આ ખરડામાં તમામ ધર્મનાં લોકો માટે વિવાહ, તલાક, ગુજારા-ભથ્થું, વારસાઈ અને દત્તક લેવાને લગતી બાબતોમાં એકસરખા નિયમો લાગુ પડશે એવી જોગવાઈ કરાઈ છે. સાથે સાથે બીજા પણ કેટલાક ફેરફાર કરાયા છે.
ઉત્તરાખંડમાં સમાન સિવિલ કોડ રજૂ કરાયો એ વાત મોટી કહેવાય કેમ કે ભારતમાં ઉત્તરાખંડ સમાન સિવિલ કોડનો કાયદો બનાવવાની દિશામાં આગળ વધી રહેલું પહેલું રાજ્ય છે. ગોવામાં અત્યારે સમાન સિવિલ કોડ છે પણ એ પહેલાંના પોર્ટુગીઝ શાસનની દેન છે. આઝાદ ભારતમાં સમાન સિવિલ કોડને લગતો કાયદો ઉત્તરાખંડમાં પહેલી વાર બની રહ્યો છે. આ કાયદો બંધારણીય જોગવાઈઓની કસોટી પર સુપ્રીમ કોર્ટમાં ખરો ઉતરીને ટકશે કે નહીં એ ખબર નથી પણ અત્યારે તો ઈતિહાસ રચાઈ ગયો છે.
ભાજપનો સમાન સિવિલ કોડ સંપૂર્ણપણે સમાન સિવિલ કોડ નથી કેમ કે તેના દાયરામાંથી આદિવાસીઓને બહાર રખાયા છે. કે ઉત્તરાખંડમાં રહેતી કોઈપણ જનજાતિને સમાન સિનિલ કોડ લાગુ નહીં પડે. ઉત્તરાખંડમાં થારૂૂ, બોક્સા, રાજી, ભોટિયા અને જૌનસારી સમુદાય એમ પાંચ અનુસૂચિત જનજાતિ છે. આ કોઈ આદિવાસી સમુદાયને આ કાયદો લાગુ નહીં પડે.
જો કે સૌથી રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસે આ ખરડાનો વિરોધ નહીં કરવાની જાહેરાત કરી છે. ઉત્તરાખંડ વિધાનસભાના વિપક્ષના નેતા યશપાલ આર્યે જાહેરાત કરી છે કે કોંગ્રેસ વિધાનસભામાં રજૂ કરાયેલા સમાન નાગરિક સંહિતા બિલની વિરુદ્ધ નથી. આર્યે પાણીમાંથી પોરા કાઢતા હોય તેમ બીજા વાંધા કાઢ્યા છે પણ સમાન સિવિલ કોડનો વિરોધ કર્યો નથી. ઉત્તરાખંડમાં પહેલ કરાઈ છે પણ વાસ્તવમાં સમાન સિવિલ કોડ આખા દેશમાં જરૂૂરી છે કેમ કે પર્સનલ લોના નામે મહિલાઓનું શોષણ થયું છે, અત્યાચાર થયા છે. આ શોષણ, આ અત્યાચાર હવે બંધ થવા જોઈએ.