ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબક્યો, 2 લોકોના મોત, અનેક લોકો લાપતાં
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. ધોલતીર વિસ્તારમાં એક મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબક્યો હતો. જેના કારણે મોટો અકસ્માત સર્જાયો. ટેમ્પો ટ્રાવેલરમાં ડ્રાઈવર સહિત કુલ 19 લોકો સવાર હતા, જેમાંથી 2ના મોત થયાં છે, જ્યારે 10 લોકો ગુમ છે. ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યૂ ટીમ રવાના થઇ હતી.
મળતી માહિતી મુજબ, મુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.અને કેટલાક ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. એક મૃતદેહ પણ મળી આવ્યો છે, જ્યારે અન્ય વ્યક્તિઓની શોધખોળની કામગીરી ચાલુ છે.
પોલીસ મુખ્યાલયના પ્રવક્તા આઈજી નિલેશ આનંદ ભરણેએ જણાવ્યું હતું કે, "રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલાતીર વિસ્તારમાં એક ટેમ્પો ટ્રાવેલર બેકાબૂ થઈ ગયો અને અલકનંદા નદીમાં પડી ગયો. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, બસમાં ડ્રાઈવર સહિત કુલ 19 લોકો મુસાફરી કરી રહ્યા હતા. વાહનમાં કુલ 18 મુસાફરો હતા." અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે અને સાત ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, 10 લોકો ગુમ છે.