સરકારી બેંકની RTGS સિસ્ટમ હેક કરીને રૂા.16 કરોડની છેતરપિંડી કરાતા ખળભળાટ
નોઈડાના સેક્ટર 62 સ્થિત નૈનીતાલ બેંક લિમિટેડમાં સાઈબર હુમલાનો એક મોટો મામલો સામે આવ્યો છે. હેકર્સે બેંકની રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ ચેનલને હેક કરીને 16 કરોડ 1 લાખ 83 હજાર 261 રૂૂપિયા ટ્રાન્સફર કર્યા છે. મળતી માહિતી મુજબ હેકર્સે આ પૈસા 89 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બેંકનું સર્વર હેક કરીને સમગ્ર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ છેતરપિંડી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બેંકમાં બેલેન્સ શીટનું સમાધાન કરવામાં આવ્યું.
બેંકના આઈટી મેનેજરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સાથે શેર કરેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું હતું કે જૂન મહિનાની બેલેન્સ શીટનું સમાધાન કરવામાં આવી રહ્યું છે. 17 જૂનના રોજ આરબીઆઈ સેટલમેન્ટ આરટીજીએસ એકાઉન્ટના મેચિંગ દરમિયાન, બેલેન્સ શીટમાં 3 કરોડ 60 લાખ 94 હજાર 20 રૂૂપિયાનો તફાવત જોવા મળ્યો હતો. આ પછી RTGS ટીમે SFMSસર્વર વડે ઈઇજ (કોર બેન્કિંગ સિસ્ટમ) માં વ્યવહારોની ચકાસણી કરી.
આ સમય દરમિયાન જાણવા મળ્યું કે સીબીએસ અને એસએમએસ (સ્ટ્રક્ચર્ડ મેસેજિંગ સિસ્ટમ)માં કેટલીક ખામીઓ હતી. આરટીજીએસ મેસેજ મોડા મળતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. RTGS ટીમે બીજા દિવસ સુધી રાહ જોઈ અને 18 જૂને તપાસ હાથ ધરવામાં આવી. આમાં પણ બેલેન્સ શીટ મેચ થતી ન હતી, જ્યારે જઋખજમાં સેટલમેન્ટ રિપોર્ટ પણ બેંકોના સીબીએસ સાથે મેચ થતો હતો. આ તપાસ દરમિયાન કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી.
RTGS ટીમને આંતરિક તપાસ દરમિયાન લાગ્યું કે સિસ્ટમ લાઇનમાં થોડી સમસ્યા છે, પરંતુ જ્યારે 20 જૂને વધુ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે બેલેન્સ શીટમાં જે ભૂલ જોવા મળી હતી, તેમાં 85 ટકા વ્યવહારો રોકડમાં થયા હતા. આ પછી વધુ તપાસમાં બહાર આવ્યું કે કુલ 16 કરોડ 1 લાખ 83 હજાર 261 રૂૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રકમ બેંકમાંથી 84 વખત જુદા જુદા ખાતામાં મોકલવામાં આવી છે.