લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને હોબાળો: લેહમાં વિદ્યાર્થીઓએ ભાજપના કાર્યાલયને ફૂંકી માર્યુ
આજે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પર્યાવરણ વિદ સોનમ વાંગચુક લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગણી સાથે ભૂખ હડતાળ પર છે.
સોનમ વાંગચુકના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધીઓ પોલીસ સાથે અથડાયા હતા, પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને CRPF વાહનને આગ લગાવી દીધી હતી. વિરોધીઓ ભાજપ કાર્યાલયની બહાર પણ પ્રદર્શન કરી રહ્યા છે.
વિરોધીઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસ ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરી રહી છે, જ્યારે વિરોધીઓ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે.
વાંગચુકના નેતૃત્વમાં લદ્દાખ એપેક્સ બોડી લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહી છે. સોનમ વાંગચુક 15 દિવસથી ભૂખ હડતાળ પર છે. લદ્દાખ બંધ વચ્ચે આજે લેહમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
વાંગચુકના નેતૃત્વમાં વિદ્યાર્થીઓની ચાર માંગણીઓ છે. કાર્યક્રમ દરમિયાન એક રેલી પણ કાઢવામાં આવી હતી. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ રદ કર્યા પછી, જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું. જમ્મુ અને કાશ્મીર એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો, જ્યારે લેહ અને કારગિલનો સમાવેશ કરતો લદ્દાખ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. હવે, લદ્દાખ માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવાની માંગણીઓ કરવામાં આવી રહી છે.
ચાર માંગણીઓ શું છે:
૧) લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ.
૨) લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવો જોઈએ.
૩) લદ્દાખ માટે બે લોકસભા બેઠકોની માંગણી કરવામાં આવી છે.
૪) લદ્દાખના આદિવાસીઓને આદિવાસી દરજ્જો.