બર્થ ડે પાર્ટીમાં કપડાં ઉતાર્યા, મોઢા પર પેશાબ કર્યો: આઘાતમાં સગીરનો આપઘાત
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં કોઈલપુરા ગામમાં 17 વર્ષના સગીર છોકરાએ આત્મહત્યા કરી લીધી. આપઘાત પાછળ પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે, પરિવારજનોના જણાવ્યા અનુસાર કિશોરને તેના મિત્રોએ જન્મદિવસની પાર્ટીના બહાને બોલાવ્યો હતો. પહેલા એ લોકોએ તેના કપડા ઉતાર્યા અને તેને સખત માર માર્યો, પછી તેના ચહેરા પર પેશાબ કર્યો.
પરિવારજનોનો આરોપ છે કે મિત્રો આ ઘૃણાસ્પદ કૃત્યનો વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપતા હતા. જેનાથી વ્યથિત સગીર કિશોરે મોત વ્હાલું કર્યું.આરોપ છે કે 20-21 ડિસેમ્બરની રાત્રે ગામના વિનય કુમારે સગીર કિશોરને ફોન કરીને જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું.
કિશોર બર્થડે પાર્ટીમાં ગયો ત્યારે ત્યાં ચાર લોકો હાજર હતા. આ લોકોએ પહેલા કિશોરના કપડા ઉતારી લીધા બાદમાં તેને માર માર્યો. પછી તેના ચહેરા પર પેશાબ કર્યો. ચારેયએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આ પછી કિશોરને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. કિશોરે જ્યારે વીડિયો ડિલીટ કરવાની વિનંતી કરી તો આરોપીએ તેના પર થૂંક્યું અને પછી તેને વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂૂ કર્યું.
પરેશાન કિશોરે ઘરે આવીને તેના પરિવારને આખી વાત કહી. પરિવારજનોએ કપ્તાનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરી ન હતી. જેના કારણે બદમાશોની હિંમત વધી ગઈ અને તેઓ તેને સતત હેરાન કરવા લાગ્યા. જેનાથી કંટાળીને સગીરે આપઘાત કરી લીધો હતો. કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલા પરિવારજનો મૃતદેહને કપ્તાનગંજ પોલીસ સ્ટેશન લઈ ગયા. જે બાદ મોટી સંખ્યામાં પોલીસ દળોએ ચાર્જ સંભાળ્યો હતો. બે સીઓ સ્થળ પર આવ્યા અને પરિવારના સભ્યોને કાર્યવાહીની ખાતરી આપી. જે બાદ પરિવારજનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા.