For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉમર અબ્દુલ્લાની તાજપોશી, કાશ્મીરમાં હતા ત્યાં ને ત્યાં

12:11 PM Oct 12, 2024 IST | Bhumika
ઉમર અબ્દુલ્લાની તાજપોશી  કાશ્મીરમાં હતા ત્યાં ને ત્યાં
Advertisement

જમ્મુ અને કાશ્મીરમાં ફરી ઉમર અબ્દુલ્લાની મુખ્ય મંત્રીપદે તાજપોશીનો તખ્તો તૈયાર છે. વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે બહુમતી મેળવી પછી ઉમર અબ્દુલ્લા મુખ્ય મંત્રી બનશે એ નક્કી જ હતું. 95 સભ્યો ધરાવતી જમ્મુ કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સે 42 બેઠકો જીતી છે જ્યારે તેના સાથી પક્ષ કોંગ્રેસે 6 બેઠકો જીતી છે તેથી 48 બેઠકો સાથે બંને પાસે સ્પષ્ટ બહુમતી હતી. હવે ઉમરને 4 અપક્ષ સભ્યોએ ટેકો જાહેર કર્યો છે. ઉમરની તાજપોશી સાથે જમ્મુ અને કાશ્મીરનું રાજકારણ પાછું 2014 પહેલાંના સમયમાં આવી ગયું છે. મોદી સરકારે બંધારણની કલમ 370 નાબૂદ કરી પછી ભાજપ છવાઈ જશે અને વંશવાદી રાજકારણ ચલાવતા પરિવારો ફેંકાઈ જશે એવું કહેવાતું પણ એવું થયું નથી. કમ સે કમ અબ્દુલ્લા પરિવારના કિસ્સામાં તો એવું નથી જ થયું. અબ્દુલ્લા પરિવાર વરસોથી કાશ્મીરના રાજકારણમાં અડિંગો જમાવીને બેઠેલો છે ને સત્તા ભોગવે છે. દેશ આઝાદ થયો ત્યારે ફારૂૂકના પિતા શેખ અબ્દુલ્લાએ પાકિસ્તાનની સામે પડીને ભારતને મદદ કરેલી.

અબ્દુલ્લા અઠંગ ખેલાડી હતા ને લાભ વિના લોટે એમ નહોતા. કાશ્મીરના રાજા હરિસિંહ સામે તેમને વાંધો હતો એટલે દેશ આઝાદ થયો એ પહેલાંથી એ હરિસિંહને તગેડવા મથ્યા કરતા હતા. કાશ્મીરમાં તેમણે પહેલાં જ લોકોને હરિસિંહ સામે ભડકાવી રાખેલા. પાકિસ્તાને અચાનક આક્રમણ કર્યું તેમાં જવાહરલાલ નહેરૂૂ બઘવાઈ ગયેલા ને દોડતા થઈ ગયેલા. શેખ અબ્દુલ્લાએ હરિસિંહ સામેના આંદોલનનું નેતૃત્વ કરેલું તેથી લોકપ્રિયતા હતી. તેના કારણે જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં કેન્દ્રસ્થાને રહ્યા અને વરસો લગી તેમણે રાજ કર્યું. કાશ્મીરમાં વચ્ચે વચ્ચે બીજા પક્ષો સત્તામાં આવી જાય છે ખરા પણ પછી પાછું અબ્દુલ્લા પરિવારનું જ રાજ આવી જાય છે ને અત્યારે પાછું એ જ થયું છે. શેખ અબ્દુલ્લા ગયા પછી તેમનો દીકરો ફારૂૂક આવ્યો ને પછી ઉમર અબ્દુલ્લા આવ્યો. એ રીતે અબ્દુલ્લા પરિવારની ત્રણ પેઢીએ કાશ્મીર પર રાજ કર્યું છે અને ફરી પાછું તેમનું રાજ આવી ગયું. અબ્દલ્લા પરિવાર ફરી બેઠો થયો તેમાં ભાજપનું યોગદાન મોટું છે.

Advertisement

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી દેશભરમાં સ્થિતિ બદલાઈ. તેની અસર કાશ્મીર પર પણ પડી હતી. કાશ્મીર કાશ્મીર ખીણ, જમ્મુ અને લેહ-લદાખ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. આ પૈકી જમ્મુમાં હિન્દુઓની બહુમતી હોવાથી ભાજપે ખિલા ઠોકી દીધા છે પણ માત્ર જમ્મુના જોરે ભાજપ કાશ્મીર પર રાજ ના કરી શકે તેમ હોવાથી ભાજપે મહેબૂબા મુફતીની પીડીપી સાથે જોડાણ કર્યું. પીડીપી અને ભાજપ બંનેએ કાશ્મીરના વિકાસને પ્રાધાન્ય આપવાની જરૂૂર હતી પણ તેના બદલે બંને પોતપોતાના રાજકીય એજન્ડાને વળગી રહ્યાં. મહેબૂબા મુફતીને મુસ્લિમ મતબેંક અને કાશ્મીર ખીણની ભાજપ વિરોધી માનસિકતા ધરાવતાં પરિબળોને સાચવવામાં રસ હતો જ્યારે ભાજપને પોતાની હિંદુ મતબેંક સાચવવામાં રસ હતો તેથી એ પ્રમાણે નિર્ણય લીધા તેમાં જોડાણ તૂટ્યું. મોદી સરકારે કલમ 370 નાબૂદ કરીને કાશ્મીરનું વિભાજન કર્યું પણ તેના કારણે જમ્મુ અને કાશ્મીરનાં રાજકીય સમીકરણો ના બદલાયાં. આ કારણે અબ્દુલ્લા પરિવારને ફરી બેઠા થવાની તક મળી ગઈ.

કાશ્મીર ખીણમાં મહેબૂબાનો પ્રભાવ વધારે હતો પણ ભાજપ સાથે જોડાણ કર્યું તેમાં મહેબૂબા અપ્રિય થયાં અને અબ્દુલ્લા પરિવાર સિવાય બીજા કોઈ વિકલ્પ કાશ્મીર ખીણના કારણે ના રહ્યો. કાશ્મીરમાં પીડીપી ને ભાજપનું જોડાણ હતું ત્યારે લાગતું હતું કે, ફારૂૂક કે ઉમર ફરી ગાદી પર આવી શકે એમ નથી પણ મહેબૂબાના ભાજપ સાથેનો જોડાણે એ તક આપી દીધીને ઉમર ફરી મુખ્ય મંત્રીપદે બેસે તેનો તખ્તો તૈયાર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement