ઝારખંડમાં પોલીસ-નકસલી અથડામણમાં બે જવાન શહીદ
ઝારખંડમાં વધુ એક અથડામણની ઘટના સામે આવી છે. ચતરા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થતાં બે જવાનો શહીદ અને ત્રણ ઘાયલ થયા છે. મળતા અહેવાલો મુજબ પોલીસની ટીમ ત્યાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહી હતી આ દરમિયાન નક્સલવાદીઓએ અચાનક હુમલો કર્યો. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરી રાંચી મોકલાયા છે. હાલ ચતરા જિલ્લામાં ભારે પોલીસ ફોર્સ તહેનાત કરાયો છે. મળતી માહિતી અનુસાર અથડામણમાં ઘણા નક્સલીઓને પણ ગોળીવાગી હોવાનું સામે આવ્યું છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તમામ જવાનો પોલીસ વિભાગની સંયુક્ત ટીમ સાથે ગમહારતરી ગામથી પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન સદર પોલીસ સ્ટેશન અને જોરી બોર્ડર પર સ્થિત બૈરિયોતરી જંગલમાં અથડામણ થઈ. ઘાયલ જવાનોમાં એકનું આકાશ સિંહ હોવાનું સામે આવ્યું છે, જેને તુરંત એરલિફ્ટ કરી રાંચી લઈ જવાયા છે.
એસડીપીઓ સંદીપ સુમને ઘટનાની પુષ્ટિ કરી કહ્યું કે, પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. અમારા જવાનોએ નક્સલીઓને વળતો જવાબ આપ્યો છે. નક્સલીઓ હુમલો કરવા માટે ઘાત લગાવીને બેઠા હતા. સદર પોલીસ સ્ટેશનના બે જવાનો વજીરગંજના રહેવાસી સિકંદર સિંહ ગયા અને પલામૂના રહેવાસી સુકન રામ શહીદ થયા છે. બિહારના ઔરંગાબાદના રહેવાસી આકાશ સિંહ નામના જવાન અને અન્ય બે જવાનને ગોળી વાગી છે. આ તમામ જવાનો સદર પોલીસ સ્ટેશનમાં તહેનાત હતા.