દિશા પટણીના ઘરે ગોળીબાર કરનારા બે શૂટર્સ ઠાર મરાયા
બરેલીમાં અભિનેત્રી દિશા પટાણીના ઘરે ગોળીબારની ઘટનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ગાઝિયાબાદના થાણા ટેક્નો સિટી વિસ્તારમાં મંગળવારે થયેલા એન્કાઉન્ટરમાં મુખ્ય આરોપી રવિન્દ્ર અને અરુણ માર્યા ગયા હતા. આ સંયુક્ત ઓપરેશન યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. માર્યા ગયેલા આરોપીઓની ઓળખ રોહતકના કહાનીના રહેવાસી રવિન્દ્ર ઉર્ફે કલ્લુ અને સોનીપતના ગોહના રોડના રહેવાસી અરુણ તરીકે થઈ છે. બંને શૂટર કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા ગેંગના સક્રિય સભ્યો હતા. ઘટનાસ્થળેથી ગ્લોક અને જીગાના પિસ્તોલ, સાથે અનેક કારતૂસ પણ મળી આવ્યા છે.
નોંધનીય છે કે 12 સપ્ટેમ્બરના રોજ, સવારે 3:45 વાગ્યે, બે બાઇક સવાર હુમલાખોરોએ બરેલીમાં દિશા પટાણીના ઘરે લગભગ નવ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ, ગેંગે સોશિયલ મીડિયા પર જવાબદારી સ્વીકારી હતી અને દાવો કર્યો હતો કે આ અભિનેત્રીની બહેન ખુશ્બુ પટાણી દ્વારા ધાર્મિક વ્યક્તિઓ પ્રેમાનંદ મહારાજ અને અનિરુદ્ધાચાર્ય વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓનો બદલો હતો.આ ઘટના બાદ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિશા પટણીના પિતા અને ભૂતપૂર્વ ડીએસપી જગદીશ પટણી સાથે ફોન પર વાત કરી અને પરિવારને સુરક્ષાની ખાતરી આપી. પોલીસે આરોપીઓની ઓળખ કરવા માટે 2,500 થી વધુ સીસીટીવી ફૂટેજનું વિશ્ર્લેષણ કર્યું. અધિકારીઓનું કહેવું છે કે એન્કાઉન્ટરથી તપાસ ઝડપી બનશે અને ગેંગના અન્ય સભ્યોની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે.