પાંચ વર્ષમાં 18થી 29 વર્ષના નવા બે કરોડ મતદારો ઉમેરાયા
ભારતમાં લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે ચાલુ અથવા આવતાં મહિનામાં જ ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, ભારતના ચૂંટણી પંચે શુક્રવારે દેશના કેટલા લોકો લોકસભા ચૂંટણી 2024માં મતદાન કરવા માટે લાયક છે તેની માહિતી શેર કરી છે. આ સાથે પંચે પ્રથમ વખત મતદાન કરનારા લોકોની સંખ્યા પણ શેર કરી છે.
ભારતના ચૂંટણી પંચે માહિતી આપી છે કે લગભગ 97 કરોડ ભારતીયો આ વર્ષની લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે લાયક છે. પંચના જણાવ્યા અનુસાર, છેલ્લી લોકસભા ચૂંટણી 2019થી નોંધાયેલા મતદારોની સંખ્યામાં છ ટકાનો વધારો થયો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે વિશ્વનો સોથી મોટો મતદાતા વર્ગ લગભગ 96.88 કરોડ મતદારોએ આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન કરવા માટે નોંધણી કરાવી છે.
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં દરેક તબક્કે રાજકીય પક્ષોની ભાગીદારી સાથે મતદાર યાદીની સુધારણા સાથે સંકળાયેલા વિવિધ કાર્યો વિશે માહિતી આપી હતી. તેમણે માહિતી આપી છે કે 18 થી 29 વર્ષની વયજૂથના બે કરોડથી વધુ યુવા મતદારો મતદાર યાદીમાં ઉમેરાયા છે.