પ્રકાશ ઝાની પોલિટીકલ થ્રિલર ફિલ્મમાં તુષાર કપૂરની એન્ટ્રી
એક્ટર તુષાર કપૂર છેલ્લે કપકપીમાં જોવા મળ્યો હતો, હવે જનાદેશ નામની રાજકીય થ્રિલર ફિલ્મ માટે તૈયારી કરી રહ્યો છે. પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર પ્રકાશ ઝાની ફિલ્મમાં તુષાર કપૂર લીડ રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ તેના હાથમાં કેવી રીતે આવ્યો તે શેર કરતા તુષારે ખુલાસો કર્યો કે, પ્રકાશએ મને ફોન કર્યો અને કહ્યું કે આ ફિલ્મમાં મારા માટે એક પાત્ર છે.
વર્ષોથી કોમિક અને હળવાશભર્યા રોલ સાથે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યા પછી, તુષાર જનાદેશને તેની ગતિમાં તાજગીસભર પરિવર્તન તરીકે જુએ છે. કોઈપણ ઇમેજથી અલગ થવાનો નિર્ણય ઇરાદાપૂર્વક નહોતો આવું કહેતા તુષારે કોમેડી ફિલ્મથી અલગ ફિલ્મ કરવા વિશે વાત કરી. તુષારે કહ્યું, હું પોલિટિકલ થ્રિલર ફિલ્મ કરવા માંગતો હતો, ખાસ કરીને પ્રકાશ ઝા જી જેવા વ્યક્તિ સાથે, જે આ શૈલીની ફિલ્મમાં શ્રેષ્ઠ છે. હું તેમના કામનો પ્રશંસક રહ્યો છું અને હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને એક અભિનેતા તરીકે એક નવી જગ્યા શોધવાની તક મળી.
પોતાની તૈયારી પ્રક્રિયા વિશે તુષારે શેર કર્યું, પ્રકાશજી અને હું નાના-વર્કશોપ માટે મળી રહ્યા છીએ જેથી પાત્રનો અભ્યાસ કરી શકાય અને સમજી શકાય કે તે મને ભૂમિકામાં કેવી રીતે જુએ છે અને તે મારી પાસેથી શું અપેક્ષા રાખે છે. ભૂમિકા વિશે પૂછવામાં આવતા, તુષારે સ્પષ્ટતા કરી કે તે કોઈ એક વ્યક્તિનું સીધું પ્રતિનિધિત્વ નથી. આ એક કાલ્પનિક પાત્ર છે, જે વાસ્તવિક જીવનના વ્યક્તિત્વ પર આધારિત નથી, પરંતુ તે વાસ્તવિક લોકો અને સાચી ઘટનાઓથી પ્રેરિત છે. તેનો વિચાર તેને અધિકૃત અને વિશ્વાસપાત્ર રાખવાનો છે અને હું તેના પર કામ કરી રહ્યો છું.