મુંબઈમાં ટ્રેન દુર્ઘટના, ચાલતી ટ્રેનમાંથી 10 થી12 લોકો નીચે પડ્યા, 5ના મોત
માયાનગરી મુંબઇમાં આજે અઠવાડીયાના પ્રથમ દિવસે જ સવારે એક ગોઝારી ઘટના બનતા મુંબઇમાં ભારે હાહાકાર મચી જવા પામેલ છે. દિવા અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે પુષ્પક ટ્રેનમાં ટીંગાઇને મુસાફરી કરતા એક ડઝન જેટલા મુસાફરો રેલવે ટ્રેક પર પટકાતા પાંચ મુસાફરોનાં કરૂણ મોત નીપજયાના પ્રાથમિક અહેવાલો મળી રહયા છે. જયારે સાત થી આઠ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પુષ્પક એકસપ્રેસ થાણેથી ઉપડીને મુંબઇ સીએસટી થઇ લખનઉ તરફ જવા માટે નિકળી હતી. ત્યારે થાણેથી આગળ દિવા અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે પ્લેટફોર્મ નજીક 10 થી 1ર મુસાફરો ટ્રેનના દરવાજે લટકાઇને મુસાફરી કરી રહયા હતા. તે દરમિયાન સીધા ટ્રેક પર પડયા હતા. મધ્ય રેલવેનું કહેવું છે કે થાણેમાં મુંબઈ રેલવે સ્ટેશન પર કેટલાક મુસાફરો સીએસએમટી તરફ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેઓ ટ્રેનમાંથી પડી ગયા. મુસાફરોના પડી જવાનું કારણ વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ રેલવે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી સ્થાનિક સેવાઓ પ્રભાવિત થઈ છે.પુષ્પક ટ્રેનમાં ખૂબ ભીડ હતી, જેના કારણે આ મુસાફરો ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં મુસાફરોને ટ્રેનમાંથી પડતા જોઈ શકાય છે. આ મુસાફરોને ટ્રેક પરથી ઉપાડીને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા હતા. આ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના કપડાં ફાટી ગયા હતા.
કસારા જતી મુંબઈ ટ્રેનના ગાર્ડે જણાવ્યું કે મુંબઈ સ્ટેશન નજીક પાંચ મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. બધા મૃતકો 30 થી 35 વર્ષની વયના છે.