ગુપ્તાંગને સ્પર્શ, પાયજામાનું નાડું ખોલવું બળાત્કારનો પ્રયાસ નથી: અલ્હાબાદ હાઇકોર્ટના અવલોકનથી સુપ્રીમ નારાજ
આવા કેસો હેન્ડલ કરવા નવી માર્ગદર્શિકા જાહેર કરવાનો સંકેત
અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં એક વિવાદાસ્પદ ચુકાદો આપ્યો હતો કે સગીરાના પ્રાઇવેટ પાર્ટને અડકવું કે પાયજામાનું નાડું ખોલવું એ બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહીં. આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે સોમવારે (8 ડિસેમ્બર, 2025) સ્પષ્ટ કર્યું કે અદાલતો દ્વારા કરવામાં આવતી આવી ટિપ્પણીઓ પીડિતોનો મનોબળ તોડી નાખે છે. સુપ્રીમ કોર્ટે હવે નીચલી અદાલતો માટે ભવિષ્યમાં આવા કેસોને કેવી રીતે હેન્ડલ કરવા તે અંગે નવી ગાઈડલાઈન્સ (માર્ગદર્શિકા) બનાવવાનો સંકેત આપ્યો છે.
સોમવારે સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમલ્યા બાગચીની ખંડપીઠે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયની ગંભીર નોંધ લીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે સગીર બાળકીના પ્રાઈવેટ પાર્ટને પકડવું અથવા તેના કપડાં (પાયજામા) નું નાડું ખોલવું એ ’બળાત્કારના પ્રયાસ’ ની વ્યાખ્યામાં આવતું નથી. સુપ્રીમ કોર્ટે આ વલણને વખોડતા કહ્યું કે ન્યાયિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી આવી ટિપ્પણીઓ પીડિતો પર નકારાત્મક માનસિક અસર કરે છે. તેના કારણે ઘણીવાર પીડિતો ડરી જાય છે અને દબાણમાં આવીને પોતાની ફરિયાદ પાછી ખેંચવા મજબૂર બને છે.
આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તે દેશભરની હાઈકોર્ટ અને નીચલી અદાલતો માટે એક વિસ્તૃત માર્ગદર્શિકા તૈયાર કરવાનું વિચારી રહી છે. આ ગાઈડલાઈન્સ નક્કી કરશે કે સંવેદનશીલ કેસોમાં ન્યાયાધીશોએ કેવા પ્રકારના અવલોકનો કરવા જોઈએ અને કેવા આદેશો આપવા જોઈએ. જેથી ભવિષ્યમાં પીડિતોને અન્યાય થતો અટકાવી શકાય અને ન્યાયિક પ્રક્રિયામાં તેમનો વિશ્વાસ જળવાઈ રહે.
સુનાવણી દરમિયાન, વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાએ અલ્હાબાદ હાઈકોર્ટના અન્ય એક કેસનું ઉદાહરણ આપ્યું હતું જેમાં કોર્ટે પીડિતાને જ જવાબદાર ગણાવી હતી. તે કેસમાં કોર્ટે કહ્યું હતું કે મહિલા રાત્રે આરોપી સાથે રૂૂમમાં ગઈ હોવાથી તેણે પોતે મુસીબતને આમંત્રણ આપ્યું હતું. ’લાઈવ લો’ ના રિપોર્ટ મુજબ, વકીલે કોલકાતા અને રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી આવી જ કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ તરફ પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું, "જો તમારી પાસે આવા ઘણા ઉદાહરણો છે, તો અમે ચોક્કસપણે આ અંગે માર્ગદર્શિકા જારી કરી શકીએ છીએ."
આ સમગ્ર વિવાદનું મૂળ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રા દ્વારા 19 માર્ચ, 2025 ના રોજ આપવામાં આવેલો ચુકાદો છે. આ ચુકાદામાં તેમણે ઠરાવ્યું હતું કે કોઈ મહિલાના પ્રાઇવેટ પાર્ટને પકડવું, પાયજામાનું નાડું ખોલવું અને તેને બળજબરીથી ખેંચી જવાનો પ્રયાસ કરવો એ ઈંઙઈ હેઠળ બળાત્કાર કે બળાત્કારના પ્રયાસનો ગુનો બનતો નથી. આ તર્ક આપીને તેમણે બે આરોપીઓ પરના ગંભીર આરોપો હટાવી દીધા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે 25 માર્ચના રોજ આ ચુકાદા પર સ્ટે (રોક) લગાવી દીધો હતો.