આજે શ્રાવણી પૂનમની રાત્રે અવકાશમાં જોવા મળશે સુપર બ્લૂ મૂનનો નજારો
2024ના વર્ષનો સૌથી ચમકીલો ચંદ્ર દેખાશે
રક્ષાબંધનના દિવસે ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. 19 ઓગસ્ટે પૂનમની રાત્રે સુપર બ્લૂ મૂન જોવા મળશે. આ સુપરમૂન 2024નો સૌથી મોટો અને ચમકીલો ચંદ્ર હશે, જે ત્રણ દિવસ સુધી આકાશમાં દેખાશે. આ સિવાય આ વર્ષના બાકીના સુપરમૂન સૌ પ્રથમ 17 સપ્ટેમ્બરના રોજ જોવા મળશે. તેને હાર્વેસ્ટ મૂન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 17 ઓક્ટોબરે તે દેખાશે, તેને હન્ટર મૂન તરીકે ઓળખવામાં આવે છે અને વર્ષનો છેલ્લો 15 નવેમ્બરના રોજ દેખાશે.
રક્ષાબંધનને રાખડી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર પૂર્ણિમાના દિવસે જ ઉજવવામાં આવે છે. રાખીનો તહેવાર આ વખતે સુપર બ્લુ મૂન સાથે પડી રહ્યો છે. આ કારણે દરેક ભારતીય માટે તે ખૂબ જ ખાસ બની ગયો છે. સુપરમૂન ત્યારે બને છે જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવે છે અને ત્યાં એક પૂનમ પણ હોય છે, જેના કારણે ચંદ્ર સામાન્ય કરતા ઘણો મોટો અને તેજસ્વી દેખાય છે.
સુપર બ્લુ મૂનનું નામ રિચર્ડ નોલે નામના જ્યોતિષીએ વર્ષ 1979માં આપ્યું હતું. સુપર બ્લુ મૂન તેના નામની બિલકુલ અલગ વાદળી દેખાશે નહીં. જોકે ઘણા પ્રસંગોએ, આકાશમાં ધૂમાડા વધુ હોવાને કારણે ચંદ્ર વાદળી પણ દેખાય છે. સામાન્ય પૂનમના ચંદ્રની તુલનામાં સુપરમૂન 30 ટકા તેજસ્વી અને 14 ટકા સુધી મોટો હશે. આ સુપર બ્લૂ મૂન દરમિયાન ચંદ્રના 98 ટકા ભાગ પર સૂર્યનો પ્રકાશ રહેશે. આ વધતા વધતા 99થી 100 ટકા સુધી જશે. તે પૃથ્વીથી લગભગ 225,288 માઇલ દૂર હશે.
સુપર બ્લુ મૂન જોવા માટે કોઈ ખાસ વસ્તુની જરૂૂર નથી. તેને નરી આંખે જોઈ શકાય છે. પરંતુ દૂરબીન કે ટેલિસ્કોપનો ઉપયોગ કરીને ચંદ્રની સપાટી પર વધુ વસ્તુઓ જોઇ શકાય છે. તે કેમેરા અથવા ફોનમાં પણ કેપ્ચર કરી શકાય છે.