For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધર્મના નામે રાજકીય રોટલા શેકવા, આગે સે ચલી આતી હે

02:09 PM Jul 03, 2024 IST | admin
ધર્મના નામે રાજકીય રોટલા શેકવા  આગે સે ચલી આતી હે

ભારતમાં રાજકારણીઓને દેશના વિકાસમાં નહીં પણ ધર્મને નામે ચરી ખાવામાં અને રાજકીય રોટલો શેકવામાં જ રસ છે એ આપણે જોઈએ છીએ. એ લોકો કોઈ ને કોઈ રીતે ધર્મનો મુદ્દો લઈ જ આવે છે ને પછી બાખડ્યા કરે છે. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ પોતાના પહેલા ભાષણમાં કહેવાતા હિંદુઓ અંગે કરેલા નિવેદનના કારણે મચેલી બબાલ તેનો તાજો પુરાવો છે. ભાજપનું કહેવું છે કે, રાહુલે હિંદુઓને હિંસક કહીને હિંદુઓનું અપમાન કર્યું હોવાથી માફી માગવી જ પડશે. નરેન્દ્ર મોદીએ હિંદુઓની તો રાહુલની વાત સામે લોકસભામાં જ ઊભા થઈને વાંધો ઉઠાવેલો. મોદીએ જાહેર કરેલું કે, રાહુલ ગાંધીની વાતથી ભાવનાઓને ઠેસ પહોંચી છે કેમ કે સમગ્ર હિંદુ સમુદાયને હિંસક કહેવો ખૂબ જ ગંભીર બાબત છે.

Advertisement

મોદીની વાત સાંભળીને ભાજપના બાકી રહી ગયેલા બીજા નેતા પણ મચી પડ્યા. રાહુલે પણ આક્રમક બનીને જવાબ આપ્યો કે, આખા હિંદુ સમાજને નહીં પણ તમને ભાજપવાળાને હિંસક કહ્યા છે કેમ કે નરેન્દ્ર મોદી આખો હિંદુ સમાજ નથી, ભાજપ આખો હિંદુ સમાજ નથી ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ આખો હિંદુ સમાજ નથી. રાહુલની વાતના કારણે લોકસભામાં તો બબાલ થઈ જ ગઈ પણ સંસદની બહાર પણ તેના પડઘા પડ્યા. ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર રાહુલે હિંદુઓને ગાળ દીધી હોવાનું કોરસ શરૂૂ કરી દીધું છે. સંઘે ડહાપણ ડહોળ્યું છે કે, હિંદુત્વને હિંસા સાથે જોડવું દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે, રાહુલે બધા હિંદુઓને નહીં પણ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓને જ હિંસક ગણાવ્યા છે કેમ કે ભાજપ અને સંઘ હિંસા અને નફરત ફેલાવે છે. ભાજપના નેતાઓ રાહુલના નિવેદનને તોડીમરોડીને રજૂ કરીને આખા હિંદુ સમુદાયને હિંસક કહ્યો હોવાનું જાહેર કરીને ખોટો દેકારો મચાવી રહ્યા છે એવો પણ કોંગ્રેસનો આક્ષેપ છે. રાહુલ સમગ્ર હિંદુ સમાજ નથી બોલ્યા ને ભાજપના નેતા તરફ ઈશારો કરે છે એ વાત સાચી છે પણ મૂળ મુદ્દો તો એ જ છે કે, રાહુલે હિંદુઓને હિંસા સાથે જોડવાની જરૂૂર શું છે ? રાહુલની પિન વરસોથી ભાજપ અને સંઘ પર ચોંટેલી છે તેથી એ ગમે તે બહાને સંઘ પર પ્રહાર કરવા ઉભા થઈ જાય છે. તેના બદલે હિંદુ શબ્દ ઘૂસેડવાની શું જરૂૂર હતી ? ભાજપના નેતા પણ આ મુદ્દે હાસ્યાસ્પદ હરકતો કરી રહ્યા છે. રાહુલે સમગ્ર હિંદુ સમાજની વાત નથી કરી પણ એ લોકો આખા હિંદુ સમાજને હિંસક કહ્યો હોવાનો મુદ્દો ઊભો કરીને દેકારો કરી રહ્યા છે. રાહુલે ભાજપ અને સંઘના લોકોને હિંસક કહ્યા એ પણ વાંધાજનક છે ને ભાજપે તેની સામે વાંધો લેવો જોઈએ કેમ કે સંઘ અને ભાજપ હિંસા ફેલાવે છે એવા પુરાવા પણ ક્યાં છે ? ભાજપને પોતાનો બચાવ કરવાનો પૂરો અધિકાર છે પણ એ માટે થઈને હિંદુ સમુદાયના નામે ચરી ખાવાની જરૂૂર નથી. તમે તમારા નામે જ તમારો બચાવ કરો, આખા હિંદુ સમુદાયને વચ્ચે લાવવાની ક્યાં જરૂૂર છે ?

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement