ટાઇગર અભી ઝિંદા હૈ; બિહારમાં નીતિશના જાદુથી NDAનો જયજયકાર
જે.ડી.યુ. સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, ભાજપ બીજા અને આર.જે.ડી. ત્રીજા નંબરે, કોંગ્રેસ વધુ એક વખત ફેલ, પી.કે.ની જનસુરાજનો સૂર્ય ઉગ્યો જ નહીં
એન.ડી.એ.ની બેઠકોમાં તોતિંગ વધારો, ચિરાગ પાસવાને પણ કાઠુ કાઢયું, લાલુપુત્ર તેજપ્રતાપની બેઠક જોખમમાં
બિહારમાં એકિઝટ પોલ્સના અનુમાન જેવાજ પરિણામો આવી રહ્યા છે. 243 બેઠકો માટેની વિધાનસભાની આજે શરૂ થયેલી મતગણતરીના પ્રારંભીક વલણો મુજબ એનડીએ 173 બેઠકો (બહુમતી માટે જરૂરી 122) પર આગળ છે. જયારે આરજેડીના સર્વેસર્વા તેજસ્વી યાદવના વડપણ હેઠળનું મહાગઠબંધન 56 બેઠકો પર સરસાઇ ધરાવતું હતું. પરિણામોના રૂઝાનની ખાસ વાત એ છે કે એનડીએના બે મુખ્ય પક્ષો ભાજપ અને જેડીયુ 101-101 બેઠકો લડયા હતા પણ જેડીયુ 81 અને ભાજપ 76 બેઠકો સાથે આગળ છે. એનડીએના ત્રીજા સાથીપક્ષ એલજેપી પણ 13 બેઠકો પર સરસાઇ ધરાવતો હતો. બીજી તરફ, મહાગઠબંધનમાં આરજેડી 51, કોંગ્રેસ 12 અને વીઆઇપી 1 અને ડાબેરી પક્ષો પાંચ બેઠકો પર આગળ હતા. રસપ્રદ વાત એ છે કે મહાગઠબંધનમાં કોંગ્રેસ આ વખતે ફરી કમજોર કડી સાબીત થઇ છે. તેને એલજેપી કરતા પણ ઓછી બેઠકો મળવાની સંભાવના છે. આ જોતા તે બેઠકો જીતવામાં ચોથા નંબરે આવશે. 150 બેઠકો જીતવાનો દાવો કરનારા પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનો ફીંડલુ વળી ગયું છે.
બિહારમાં કડક સુરક્ષા વચ્ચે 243 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી શરૂૂ થઈ ગઈ છે. બે તબક્કાની ચૂંટણી માટે 46 મતદાન મથકો પર સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂૂ થઈ હતી. 243 સભ્યોની બિહાર વિધાનસભા માટે મતદાન 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં ઐતિહાસિક 67.13 ટકા મતદાન નોંધાયું હતું. 2,616 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરવા માટે કુલ 74.5 મિલિયન મતદારોએ મતદાન કર્યું હતું.
આ વખતે, એનડીએ ગઠબંધન પાંચ પક્ષો સાથે બિહાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યું છે. ભાજપ અને જેડીયુ બંનેએ 243 સભ્યોની વિધાનસભા માટે 101-101 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. વધુમાં, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) 29 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને હિન્દુસ્તાની અવમ મોરચા (HAM) 6-6 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. બીજી બાજુ, મહાગઠબંધનમાં આરજેડી 143 બેઠકો પર, કોંગ્રેસ 61 બેઠકો પર,CPIML 20 બેઠકો પર, VIP 13 બેઠકો પર, CPI(M) 4 બેઠકો પર અને CPI એ 9 બેઠકો પર ચૂંટણી લડી હતી.
બિહાર વિધાનસભાની વર્તમાન માળખા પર નજર કરીએ તો, ભાજપ 80 ધારાસભ્યો સાથે સૌથી મોટો પક્ષ છે. આ પછી RJD પાસે 77 ધારાસભ્યો, JDU પાસે 45 ધારાસભ્યો અને કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યો છે. લેફ્ટમાં, CPI(ML) લિબરેશન પાસે 11 ધારાસભ્યો, CPI(M) પાસે 2 ધારાસભ્યો અને CPIપાસે 2 ધારાસભ્યો છે. વધુમાં, હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) પાસે 4 ધારાસભ્યો, AIMIM પાસે 1 ધારાસભ્યો અને 2 અપક્ષ ધારાસભ્યો વિધાનસભામાં છે.
2020 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય સ્પર્ધા ખૂબ જ રસપ્રદ હતી. ભાજપે તે ચૂંટણીમાં મજબૂત હાજરી બનાવી, 74 બેઠકો જીતી, જ્યારે તેના સાથી પક્ષ, જેડીયુ એ 43 બેઠકો મેળવી હતી. બીજી તરફ, આરજેડી 75 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. કોંગ્રેસે 19 બેઠકો જીતી, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોએ મળીને 32 બેઠકો જીતી. આ પરિણામોએ ફરી એકવાર બિહારના રાજકારણમાં નવા સમીકરણો બનાવ્યા છે, જેની તુલના વર્તમાન ચૂંટણી સાથે કરવામાં આવી રહી છે.
સાત રાજયોની આઠ બેઠકોના પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર
બિહારની વિધાનસભાની ચુંટણી સાથે સાથે રાજસ્થાન, ઝારખંડ, પંજાબ, તેલંગાણા, મિઝોરમ અને જમ્મુ કાશ્મીરની વિધાનસભાની બેઠકોની પેટાચુંટણીના પરિણામ પણ જાહેર કરવામા આવી રહયા છે. આ બેઠકોમા રાજસ્થાનની અંતા, ઝારખંડની ઘાટશિલા, પંજાબની તરનતારન, તેલંગાણાની જયુબિલી હિલ્સ, મિઝોરમની ડંપા, ઓડીસ્સા નુઆપાડા અને જમ્મુ કાશ્મીરની બડગામ તથા નગરોટા બેઠકનો સમાવેશ થાય છે. રાજસ્થાનમા અપક્ષ ઉમેદવારનુ વર્ચસ્વ દેખાઇ રહયુ છે. તો જમ્મુ કાશ્મીરની બે બેઠકમા એકમા ભાજપ અને એક નેશનલ કોંગ્રેસ આગળ છે. તેલંગાણામા કોંગ્રેસ તો ઓરીસ્સામા ભાજપ આગળ છે. પંજાબમા આપનાં ઉમેદવાર આગળ ચાલી રહયા છે.
નીતિશકુમાર 10મી વખત મુખ્યમંત્રી બનશે
જનતા દળ યુનાઇટેડના પ્રમુખ નેતા નિતિશકુમારે ચુંટણીમા ફરી પોતાનુ વર્ચસ્વ સાબિત કર્યુ છે. આ ચુંટણીમા ભવ્ય વિજય થતા તેઓ ફરી સતારૂઢ થશે. અગાઉ નિતિશકુમાર વર્ષ 2000મા પહેલી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ બીજી ટર્મમા 2005 થી 2010 દરમ્યાન મુખ્યમંત્રી બન્યા હતા. તેની ત્રીજી ટર્મ 2010 થી 2014 સુધીની રહી હતી. તેમણે 2014ની લોકસભા ચુંટણીમા કંગાળ પરિણામ આવતા રાજીનામુ આપી દીધુ હતુ અને જીતનરામ માંઝી મુખ્યમંત્રી બન્યા હતા. ફરી 2015 મા તેમની ચોથી ટર્મ ચાલુ રહી હતી. પરંતુ આ કાર્યકાળ સૌથી ટુંકો રહયો હતો. તેઓ 2015 ની વિધાનસભા ચુંટણી સુધી જ મુખ્યમંત્રીનો કાર્યભાળ સંભાળ્યો હતો. પાંચમી ટર્મમા તેઓ 2015 થી 2017 અને છઠ્ઠી ટર્મમા 2017 થી 2020, સાતમી ટર્મમા 2020 થી 2022 અને આઠમી ટર્મમા 2022 થી 2024 સુધી શાસન સંભાળ્યુ હતુ. 28 જાન્યુઆરી 2024 થી તેમની નવમી ટર્મ ચાલી રહી છે.