24 કલાક પહેલાં ભાજપમાં આવેલા અશોક ચવ્હાણને ટિકીટ: બે મંત્રીઓ રિપીટ
ભાજપે આજે મધ્યપ્રદેશ અને ઓડિશામાંથી રાજયસભાની ચુંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આજે જાહેર કરેલી યાદી મુજબ ગઇકાલે ભાજપમાં જોડાનારા મહારાષ્ટ્રના પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી અશોક ચવ્હાણને આજે રાજયસભાની ટીકીટ આપવામાં આવી છે. તેમની સાથે અન્ય બે ઉમેદવારો શ્રીમતી મેઘા કુલકર્ણી અને ડો.અજીત ગોપછડેના નામની પણ જાહેરાત થઇ છે. અગાઉ પક્ષે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગનને ક્રમશ: ઓડિશા અને મધ્ય પ્રદેશથી રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા છે.
કેન્દ્રીય મંત્રી એલ મુરુગન ઉપરાંત ભાજપે મધ્ય પ્રદેશથી રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ વધુ નામની જાહેરાત કરી છે. જેમાં ડો. એલ મુરુગન ઉપરાંત ઉમેશનાથ મહારાજ, માયા નારોલિયા, અને બંસીલાલ ગુર્જર સામેલ છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રાજ્યમાં સત્તાધારી બીજુ જનતા દળ (બીજેડી)ના સમર્થનથી ચૂંટાઈ આવે તેવી સંભાવના છે. જેવું 2019માં પૂર્વ આઈએએસ અધિકારી વૈષ્ણવના પહેલા કાર્યકાળ દરમિયાન થયું હતું. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ યાદી બહાર પાડી છે.
આ પહેલા ભાજપે ઉત્તર પ્રદેશની 7 બેઠકો માટે સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ, તેજવીર સિંહ, સાધના સિંહ, સંગીતા બલવંત, નવીન જૈન અને અમરપાલ મૌર્યને ઉમેદવાર બનાવતી યાદી બહાર પાડી હતી. યુપીમાંથી રાજ્યસભાની 10 બેઠકો ખાલી છે. ભાજપે યુપી ઉપરાંત બિહાર, છત્તીસગઢ, હરિયાણા અને કર્ણાટકની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરેલા છે. પાર્ટીએ કુલ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી ચે. આ વખતે બિહારથી સુશિલ મોદી રાજ્યસભાના ઉમેદવાર નથી. છત્તીસગઢમાંથી રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ, હરિયાણાની એક બેઠક પર સુભાષ બરાલાને ઉમેદવાર બનાવ્યા છે. કર્ણાટકની એક બેઠક પર નારાયણા કૃષ્ણાસા ભાંડગેને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે બિહારમાંથી ડો. ધર્મશીલા ગુપ્તા, ડો. ભીમસિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.