ત્રણ સિસ્ટમ એકસાથે ટકરાશે: પાંચ દિવસ ભારે
બંગાળની ખાડીનું લો-પ્રેસર વાવાઝોડામાં ફેરવાઇ આજે રાતે ઓડિશા-આંધ્રના કિનારે ટકરાશે, અરબી સમુદ્રમાં લો-પ્રેસર ગુજરાત કિનારા તરફ આગળ વધ્યું: ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન હવે વાવાઝોડામાં રૂૂપાંતરિત થઇ જતાં ચિંતા વધી ગઇ છે અને તે ઝડપથી ઉત્તર-ઉત્તર પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD ) એ તાજા બુલેટિનમાં આ માહિતી આપી છે. IMD એ જણાવ્યું છે કે આ વાવાઝોડુ આજે રાત્રે ઓડિશા અને તેની સાથે જોડાયેલા આંધ્ર પ્રદેશના કિનારે લેન્ડફોલ કરી શકે છે.
આ દરમિયાન 75 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે આ વાવાઝોડું બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબર સુધીમાં નબળું પડી જશે અને પવનની ગતિ ઘટીને 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. પરંતુ આ વાવાઝોડાની અસર થોડા દિવસો સુધી જ ચાલુ રહેશે.
આ સાથે IMD એ એક અનોખી ઘટનાની પણ સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબ સાગરમાં પણ એક લો પ્રેશર ઝોન સર્જાયો છે જે ઉત્તર-પૂર્વ તરફ દ્વારકા અને ગુજરાતના કિનારા તરફ વધી રહ્યો છે. આ ઉપરાંત, ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. આ ત્રણેય સિસ્ટમ્સ (બંગાળની ખાડીનું વાવાઝોડું, અરબ સાગરનું લો પ્રેશર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ના એકબીજા સાથે ટકરાવવાની સંભાવના છે, જે એક અત્યંત અનોખી ઘટના હશે. તેના કારણે, 4 થી 8 ઓક્ટોબર દરમિયાન પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડી શકે છે.
IMD એ જણાવ્યું છે કે આ હવામાનની ઘટનાને કારણે આગામી 5 દિવસ સુધી અડધા ડઝનથી વધુ રાજ્યોમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, પૂર્વ મધ્ય પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે.