મધ્યપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતાં ત્રણ મુસાફરનાં મોત, 38 ઘવાયા
મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં રાત્રે એક મુસાફર બસ ખીણમાં ખાબકતા બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 38 અન્ય લોકો ઘાયલ થયા હતા. ગ્રામીણ પોલીસ અધીક્ષક યાંગચેન ડોલકર ભૂટિયાએ જણાવ્યું કે, આ દુર્ઘટના સિમરોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભેરુ ઘાટ પર બની હતી. તેમણે કહ્યું, અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જેઓ બસમાં આગળની તરફ બેઠા હતા. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
પોલીસ અને પ્રશાસન દ્વારા બસમાં ફસાયેલા 38 ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના વાસ્તવિક કારણોની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાસ્થળ પરથી સામે આવેલા એક વીડિયોમાં, એક વ્યક્તિ એવું કહેતા સંભળાય છે કે બસનો ડ્રાઇવર નશામાં હતો અને તેના કારણે જ આ દુર્ઘટના ઘટી હતી.
આ બસ દુર્ઘટના પર મુખ્યમંત્રી મોહન યાદવે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ત્રણેય મૃતકોના પરિવારોને 2-2 લાખ રૂૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.