દિલ્હીની ત્રણ શાળા-કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
NCRની બે શાળાઓ અને દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજને બોમ્બની ધમકી મળી છે. જે બાદ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર હાજર છે જેઓ પરિસરની તપાસ કરી રહી છે. શુક્રવારે સવારે પૂર્વ દિલ્હીની અલ્કોન પબ્લિક સ્કૂલ અને નોઈડાની શિવ નાદર સ્કૂલને ધમકીઓ મોકલવામાં આવી હતી. દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજને પણ ઈમેલ દ્વારા ધમકી મળી છે. ડીસીપી ઉત્તર દિલ્હીએ કહ્યું કે તેમને સવારે 07:42 વાગ્યે આ ધમકી મોકલવામાં આવી હોવાની માહિતી મળી હતી.
ધમકી મળ્યા બાદ શાળાઓને બંધ કરી દેવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓને બોલાવવામાં આવી છે અને સમગ્ર કેમ્પસની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની ટીમ, બોમ્બ સ્કવોડ, ફાયર બ્રિગેડ, ડોગ સ્કવોડ સમગ્ર કેમ્પસમાં તપાસ કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ઈ-મેલ અંગે સાયબર ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. શિવ નાદરની શાળાના પ્રિન્સિપાલે ધમકી અંગે વાલીઓને સંદેશ મોકલ્યો છે. જેમાં તેમણે વાલીઓને બાળકોને ઘરે રાખવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે જે બાળકો સ્કૂલ બસમાં ચઢ્યા છે તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે.
ધમકી મળ્યા બાદ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે એસઓપીનું પાલન કરવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શાળાઓને ઈમેલ દ્વારા ધમકીઓ મોકલવામાં આવી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. એક સપ્તાહમાં બીજી વખત શાળાઓને ધમકી આપવામાં આવી છે. આ પહેલા બુધવારે ચાર શાળાઓને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી.