દિલ્હી-મુંબઇ સહિત પાંચ એરપોર્ટ ઉડાવી દેવા ધમકી
સોમવારે દિલ્હીના લાલ કિલ્લા પર કાર બોમ્બ વિસ્ફોટ થયાના બે દિવસ પછી, ગઇકાલે, દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) અને મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત પાંચ એરપોર્ટને બોમ્બથી હુમલો કરવાની ધમકી મળી હતી. ધમકી બાદ ત્રણ ફાયર બ્રિગેડ વાહનો એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્ડિગો એરલાઇન્સને સાંજે 4 વાગ્યાની આસપાસ એક ઇમેઇલ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઇ, તિરુવનંતપુરમ, ચેન્નાઈ અને ગોવાના એરપોર્ટ સાથે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) ના ટર્મિનલ 3 પર બોમ્બ મૂકવામાં આવ્યો છે.
જોકે, પ્રારંભિક તપાસ પછી, બોમ્બથી હુમલો કરવાની ધમકીને ખોટી જાહેર કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઇનને બપોરે એક સંદેશ મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 24 કલાકની અંદર પાંચ એરપોર્ટ પર હુમલો કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સંદેશ મળ્યા પછી, દિલ્હી એરપોર્ટ પર બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC) ની એક બેઠક યોજાઈ હતી અને બાદમાં જાહેર કરવામાં આવ્યું હતું કે તે અપ્રમાણિત હતું. ઇન્ડિગોએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.