જમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓ
પહેલગામ હુમલાની તપાસ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકી ષડયંત્રનો ખતરો મંડરાઇ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશની જેલો પર હુમલાની ગુપ્ત જાણકારી મળી છે. જેને લઇને સુરક્ષા વધારવામાં આવી છે. રિપોર્ટમાં જાસુસી ઇનપુટના હવાલાથી કહેવામાં આવ્યું કે આતંકવાદી જમ્મુમાં કોટ બલવલ જેલ અને શ્રીનગર સેન્ટ્રલ જેલને નિશાન બનાવી શકે છે. આ જેલોમાં ઘણા મોટા આતંકવાદીઓ અને OGW (ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ) બંધ છે.
ગુપ્ત માહિતી અનુસાર, શ્રીનગર સેન્ટ્રલ જેલ અને જમ્મુમાં કોટ બલવાલ જેવી જેલોમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. આ જેલોમાં ઘણા મોટા (હાઇ પ્રોફાઇલ) આતંકવાદીઓ અને OGW કેદ છે. ગુપ્ત માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ આ બધી જેલોની સુરક્ષા વધારી દીધી છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ઇનપુટ મળ્યા બાદ, DG CISF રવિવારે શ્રીનગરમાં સુરક્ષા ગ્રીડના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. અને સમીક્ષા બાદ, જેલોની સુરક્ષા વધારવામાં આવી છે.
તાજેતરમાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પહેલગામ આતંકવાદી હુમલામાં કથિત સંડોવણી બદલ જમ્મુ જેલમાં બંધ બે OGW નિસાર અને મુશ્તાકની પૂછપરછ કરી હતી. તે બંને એપ્રિલ 2023 થી જમ્મુ જેલમાં બંધ છે. બંનેની 1 જાન્યુઆરી, 2023ના રોજ રાજૌરી જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં બે બાળકો સહિત 7 નાગરિકો માર્યા ગયા હતા. હુમલાના બીજા દિવસે IED વિસ્ફોટ થયો હતો.
તપાસ અધિકારીઓ માને છે કે મુશ્તાક અને નિસારને પહેલગામ હુમલાની યોજનાની અગાઉથી જાણકારી હતી અથવા તેમણે તેમાં મદદ કરી હતી અને તેમની પૂછપરછ તેમાં સામેલ વ્યાપક આતંકવાદી નેટવર્કને શોધી કાઢવાના પ્રયાસનો એક ભાગ છે.