બિહારમાં SIRમાં જેના નામ કપાયા તે ભારતીય નાગરિક નહોતા: અમિત શાહ
દેશમાં એક પણ ઘુસણખોર હોય એવું કોઈ ઈચ્છશે નહીં
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બિહારમાં યોજાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન (SIR) એટલે કે મતદાન સુધારા કાર્યક્રમમાં જેના નામ કપાયા છે, તેની પાસે ભારતીય નાગરિક તરીકે પુરાવા નહોતા. એક્સક્લૂઝિવ વાતચીતમાં અમિત શાહે કહ્યું કે, દેશમાં એકપણ ઘુસણખોર હોય એવું કોઈ ઇચ્છશે નહીં.
રાહુલ ગાંધીએ પોતાની યાત્રાની શરૂૂઆત વોટ ચોરીથી કરી હતી. આ કેટલો મોટો મુદ્દો છે? તેનું કહેવું છે કે, મહારાષ્ટ્ર અને હરિયાણા તમે વોટ ચોરીથી ચોરી કરી લીધું? અને બિહારમાં પણ તમે એવું જ કરી રહ્યાં છો. આ સવાલ પર અમિત શાહે કહ્યું, મને સમજાતું નથી કે, કોંગ્રેસ કેવી રીતે વિચારે છે. કર્ણાટકનું પ્રેઝેન્ટેશન લઈને ફરી રહ્યાં છે. કર્ણાટકમાં સરકાર કોની છે? કોંગ્રેસની. તો શું તેઓએ પણ વોટ ચોરી કરી છે? હિમાચલ પ્રદેશનું પણ બતાવી રહ્યાં હતા.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, જ્યાં સુધી બિહારનો પ્રશ્ન છે, રાહુલ ગાંધીએ મત ચોરી યાત્રા એ માટે કાઢી હતી કે ઘુસણખોરોને બચાવી શકાય. કારણ કે એસઆઈઆર દ્વારા ઘુસણખોરોને શોધીને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. હું બિહારના લોકોને પૂછવા માંગું છું કે મતદાર યાદીમાં ઘુસણખોરોને સ્થાન મળવું જોઈએ કે નહીં? અમારો મત તો ખૂબ જ સ્પષ્ટ છે કે દેશના કોઈપણ ભાગમાં ઘુસણખોરોને મત આપવાનો અધિકાર મળવો જોઈએ નહીં. આ લોકો ઘુસણખોરોને ઘુસવા પણ એ માટે દે છે, તેમને પ્રોટેક્ટ પણ એ માટે કરે છે કે પોતાની મતબેંક બનાવી શકે. અમિત શાહે રાહુલ ગાંધીને પડકાર આપતા કહ્યું કે, જેટલી યાત્રા કાઢવી હોય, કાઢી લો, આ દેશમાંથી એક-એક ઘુસણખોરને શોધીને બહાર કાઢીશું. આ અમારો સંકલ્પ છે.
